Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

નર્મદા ડેમમાં 32 ટકા પાણી :સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો ખાલી : ઉત્તર ગુજરાત અને કચ્છમાં કપરી સ્થિતિ:ડેમોમાં પાણીનો કેટલો સંગ્રહ ?

અમદાવાદ :ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હવે ૩૨ ટકા પાણી બચ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમો તળીયા જાટક થવા લાગ્યા છે.ઉત્તર ગુજરાતમાં કુલ ૧૫ ડેમોમાં ૩૫.૦૯ ટકા પાણી રહ્યુ છે. કચ્છમાં પરિસ્થિતી વધુ વિકટ છે કચ્છના ૨૦ ડેમોમાં માત્ર ૧૭.૫૬ ટકા પાણી સંગ્રહાયેલુ રહ્યુ છે. મધ્ય ગુજરાતમાં ડેમોમાં ૫૯.૯૪ ટકા પાણી છે. પરિણામે વિસ્તારમાં પાણીની સમસ્યા વકરે તેમ નથી. દક્ષિણ ગુજરાતમાં ૧૩ ડેમોમાં અત્યારે ૩૭.૨૦ ટકા પાણી બચ્યુ છે. કુલ મળીને રાજ્યમાં ૨૦૦ ડેમોમાં ૩૭.૦૫ ટકા પાણીનો સંગ્રહ છે.

   સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા વકરી રહી છે. અમરેલીના ડેમોમાં ૧૧.૬૨ ટકા, ભાવનગરમાં ૧૮.૯૬ ટકા, જૂનાગઢમાં ૧૮.૮૫ ટકા, પોરબંદરમાં ૧૬.૬૧ ટકા, બોટાદમાં ૧૪.૩૩ ટકા, મોરબીમાં ૨૯.૦૧ ટકા, છોટાઉદેપુરમાં ૧૨.૬૫ ટકા પાણી રહ્યુ છે. પાણીનો જથ્થો જે રીતે ઘટી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા ફેણ માંડીને ઉભી રહે તેમ છે.

ડેમમાં પાણીની સપાટી ઘટી રહી છે.અત્યારે ડેમમાં ૩૦૯૪ એમસીએમ પાણીનો જથ્થો રહ્યો છે. રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકતા ખેડૂતો ઉનાળુ પાક માટે નર્મદાના પાણીને ભૂલી અન્ય પાણીના સ્ત્રોતને શોધી રહ્યાં છે. બીજી તરફ,ગામડાઓમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. ડેમોમાં સૂકાભઠ્ઠ થતા રાજ્યમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

(12:53 am IST)