Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અમ્યુકોમાં આંતરિક વિવાદ વધ્યો : રૂપાણી સુધી ફરિયાદ

ફરિયાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચીઃ મ્યુનિસિપલ કમિશનરની પધ્ધતિ-વર્તનથી નારાજ શાસક પક્ષના પદાધિકારીઓની શહેર કમિશનર બદલવા માંગ

અમદાવાદ,તા. ૧૦: ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ અને વહીવટી પાંખ વચ્ચેનો વધુ એક વિવાદ અને ગજગ્રાહ સામે આવ્યો છે.  આ વખતે વાત વણસી છે અને એટલે સુધી કે, ખુદ અમ્યુકોના શાસક પક્ષ ભાજપ અને વહીવટી પાંખના વડા એવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આમને સામને આવી ગયા છે. વિવાદ એટલી હદે વકર્યો છે કે, ભાજપના શાસકો દ્વારા ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ હાલના મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક બદલી નાંખવા રજૂઆત પણ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ભાજપના રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓએ  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત પ્રભારી મંત્રી અને શહેર ભાજપ પ્રભારી મંત્રી પણ સમક્ષ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર વિરૂધ્ધ ગંભીર ફરિયાદ કરી છે અને મ્યુનિસિપલ કમિશનર પ્રજાના સેવાકીય કામોમાં ધ્યાન આપતા નહી હોવાની રજૂઆત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ કાઉન્સીલરો જ માની રહ્યા છે કે, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે અમદાવાદના વિકાસમાં આંખે ઉડીને વળગે એવી કોઇ કામગીરી કે કાર્યો કર્યા નથી. ઉલ્ટાનું તેમના શાસન દરમ્યાન રોડ કૌભાંડ, ટેક્સ કૌભાંડ સહિતના વિવાદીત કાંડો સામે આવતાં તેમની કામગીરી અને વહીવટી કુનેહ સામે પણ સવાલો ઉભા થયા હતા. તો વળી, એવી ફરિયાદ પણ શાસક પક્ષમાં ઉઠવા પામી હતી કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સહકારભર્યું વલણ દાખવવામાં આવતું નથી. શાસક પક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચેનો વિવાદ અને અનબન છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી હતી પરંતુ તાજેતરમાં આ વિવાદ વધુ વકરતાં અને પાણી માથાથી ઉપર સુધી જાય તેમ લાગતાં આખરે શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સામે બૂમરેંગ ફુંકી દીધુ હતું અને સમગ્ર મામલાની ફરિયાદ ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સુધી પહોંચાડી હતી. આ સમગ્ર વિવાદને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ભાજપના રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, બીજીબાજુ, હવે રાજય સરકાર દ્વારા આ વિવાદમાં શું નિર્ણય લેવાય છે તેની પર સૌની નજર મંડાઇ છે.

(9:59 pm IST)