Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

સુરતના રાંદેર ખાંડાંકુવા વિસ્તારમાં બીમાર પિતાની સેવા કરવાના મુદ્દે બે ભાઈઓ બાખડયા: મોટા ભાઈએ નાના ભાભી સહીત ભત્રીજી પર ફટકાથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: શહેરના રાંદેર ખાંડાકુવા વિસ્તારમાં બિમાર પિતાની સેવા કરવાના મુદ્દે બે ભાઇના પરિવાર વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં ભાઇ-ભાભીએ હુમલો કરતા નાના ભાઇ અને ભત્રીજીને ઇજા થતા તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જ્હાંગીરપુરા વિસ્તારના એસ.એમ.સી આવાસમાં રહેતા અને મનપામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા અનિલ પ્રેમજી વાઘ (.. 34) ના પિતા તેના મોટા ભાઇ અશોક સાથે રાંદેર ખાંડાકુવા વિસ્તારના જીમખાના સ્ટ્રીટમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસથી અનિલના પિતા બિમાર હોવાથી બે દિવસ અગાઉ ભાભી મિનાક્ષીનો ફોન આવ્યો હતો અને તારા બાપની સેવા મારા વરે એક્લા કરવાની છે તારો બાપ નથી કે તું આવતો નથી. એમ કહી ઝઘડો કર્યો હતો. જેથી અનિલની પત્ની પિન્કીએ જેઠાણી મિનાક્ષીને ફોન કરી મારા પતિને કેમ ગાળો આપે છે એમ કહેતા દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થતા અશોકે અનિલને ફોન કરી હું તારી પત્નીને મારીશ એવી ધમકી આપી હતી. દરમ્યાનમાં ગત રોજ અનિલ ૧૨ વર્ષની બિમાર પુત્રી પ્રાંજલને સારવાર માટે લઇ ગયો હતો. જયાંથી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે મોટા ભાઇ અશોકના ઘરે પિતાને મળવા ગયો હતો. જયાં તેની ભાભી મિનાક્ષીએ અનિલ સાથે ઝઘડો કર્યો હતો અને અશોકે લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. જેમાં અનિલ અને ભત્રીજી પ્રાંજલને ઇજા થઇ હતી. જેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટના અંગે રાંદેર પોલીસે ફરિયાદ નોંધી અશોક અને મિનાક્ષીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:41 pm IST)