Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સુરત પાંડેસરામાં બહેન સાથે પ્રેમ સંબંધની શંકાએ કિશોરની કરપીણ હત્યા: આરોપી મુકેશની ધરપકડ

મૃતક રોહિતને તેની બહેન સાથે વાતચીત અને મુલાકાત નહિ કરવા કહેવા છતાં ના માનતા છરીથી હત્યા કર્યાની કબૂલાત

સુરત :સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ-12માં અભ્યાસ કરતા એક વિધાર્થીની હત્યા થઇ હતી વિદ્યાર્થી ટ્યુશનની છૂટ્યો હતો ત્યારે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપીએ પોતાની બહેન સાથે પ્રેમ સંબંધની શંકાએ કિશોરની હત્યા કરી નાખી હતી. આ ઘટના રવિવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે આરોપી મુકેશની ધરપકડ કરી વધુ તપાસ માટે તેને ઉધના પોલીસના હવાલે કર્યો છે.

 

          સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે રહેતો અને ધોરણ-12 અભ્યાસ કરતો રોહિત બાવીસ્કર બે દિવસ પહેલા પોતાના ટ્યુશન ખાતે ગયો હતો. ત્યાંથી પરત ફરતો હતો ત્યારે વિષ્ણુનગર-1 પાસે મુકેશ પીંપળે ત્યાં આવ્યો અને રોહિત સાથે પહેલા ઝઘડો કરવા લાગ્યો હતો. મુકેશની બહેન સાથે રોહિતને પ્રેમ સંબંધ હોવાના વહેમને લઇને આ ઝઘડો શરુ થયો હતો. થોડીવારમાં મુકેશ આવેશમાં આવી ગયો હતો અને પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને રોહિતને માથામાં અને પેટના ભાગે ઘા મારી દીધા હતા. બાદમાં તે ત્યાંથી ભાગી ગયો હતો.
રોહિત ઢળી પડતા સ્થનિક લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. અહીં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. વિદ્યાર્થીની હત્યાને પગલે પરિવાજનોએ શનિવારે સવારે નવી સિવિલના પીએમ રૂમની બહાર ધરણા પર બેસી રોહિતને ન્યાય આપોની માંગ કરી હતી. જે બાદમાં રોહિતની લાશ લઇને પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા. જોકે, આ મામલો વધુ તુલ પકડે તે પહેલા પોલીસ અધિકારીએ મામલાની તપાસ શહેર ક્રાઇમ બ્રાંચને સોંપી હતી.
              ક્રાઇમ બ્રાંચે ધરપકડ બાદ મુકેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, રોહિતને તેની બહેન સાથે વાતચીત ન કરવા અને મુલાકાત ન કરવા અવારનવાર કહ્યું હતું. હત્યાના દિવસે મુકેશની બહેન તેની મિત્રના ઘરે ગઈ હતી. જ્યાં રોહિત પણ હાજર હતો. જેથી મુકેશ ઘરે પડેલું મોટું ચપ્પુ સાથે લઈને નીકળ્યો હતો. જ્યાંથી મુકેશ તેના મિત્રને ખોટું બોલી બાઈક લઈને રોહિત જ્યાં ટ્યુશન જતો હતો ત્યાં પહોંચી ગયો હતો. રોહિત ટ્યુશનમાંથી બહાર આવતા તેને બોલાવી હજુ કેમ મારી બહેન સાથે વાતો કરે છે તેમ કહીં ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મુકેશ પોલીસથી બચવા પોતાના ઘરે જતો ન હતો અને રાત્રીના સમયે ખાલી પડેલી રિક્ષામાં સૂઈ જતો હતો.

(7:58 pm IST)