Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગાંધીનગરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો ઠક્કર મયુર રૂ. ૧૦.રપ લાખની મતા સાથે ઝડપાયો

ગાંધીનગર : અત્રેના સેકટર  ખાતે આવેલ ગીતાંજલી પાર્કમાં ત્રણ માળના અેક મકાન અંદરથી  ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની ટી-20 મેચ પર સટ્ટો રમાડતા મયુર મુકેશભાઇ ઠક્કર નામના શખ્સને 10 લાખ રૂપિયા ઉપરાંતની રોકડ અને મુદ્દામાલ સાથે સેક્ટર-7 ના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલિસને બાતમી મળી હતી કે ગાંધીનગરના સેક્ટર 8માં પ્લોટ નંબર 429/2 , ગીતાજંલી પાર્કમાં એક શખ્સ તેના ત્રણ માળના મકાનમાં આજે ચાલી રહેલ ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની ટી-20 મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો. જેથી પોલિસ દરોડો પાડતા તે ઘરમાં રહેતો મયુર મુકેશભાઇ ઠક્કર ઉર્ફે માવાણી નામનો વ્યક્તિ મેચ પર સટ્ટો રમાડતો ઝડપાઇ ગયો હતો. તપાસ કરતા તેની પાસેથી 10 લાખ 25 હજાર રૂપિયા રોકડા તથા ટીવી, મોબાઇલ સહિતનો 10,64,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા અનુસાર 10 લાખ 25 હજાર રૂપિયા સટ્ટાની રકમ ચુકાવવા માટે રાખવામાં આવ્યા હતા. પોલિસે મામલે જુગારધારાની કલમ 4, 5 મુજબ કાયદેસરની ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથધરી છે. મયુર ઠક્કર અગાઉ પણ તે સટ્ટા બેટિંગ કરતો ઝડપાઇ ચુક્યો છે અને ગેરકાયદે સટ્ટામાં તેના પિતા પણ સંડોવાયેલા હોવાની માહિતી મળી છે.

તેની સાથે અન્ય કોણ લોકો સંડોવાયેલા છે. મયુર સટ્ટો કોના તરફથી લખી રહ્યો હતો અને તેનું કોઈ વિદેશ કનેક્શન છે કે નહીં તે તરફ પણ પોલિસ તપાસનો દોર શરુ કર્યો છે.

(12:19 am IST)