Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

૩૧ જુલાઇ સુધી પીવાના પાણીનું પાણીદાર આયોજનઃ મુખ્યમંત્રી

એમ.સી.એ.એ વધારાનું પાણી ઉપાડવાની મંજુરી આપતા ગુજરાતનું જળસંકટ તણાયુઃ વિજયભાઇની વધુ એક સિધ્ધીઃ ખેડૂતોને ખરીફ પાક અને રવિ પાક માટે પૂરતુ પાણી આપ્યું છેઃ વપરાશ યથાવત રહેતા અને પાણીની આવક ઘટતા સમસ્યા સર્જાયેલ

રાજકોટ તા. ૧૦ : ગુજરાતનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરવા મંજુરી આપતા ગુજરાતનો પીવાના પાણીનો પ્રશ્ન હળવો થઇ ગયો છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ગુજરાત સરકારની વાત ઓથોરીટીને ગળે ઉતરાવી મંજુરી મેળવવામાં સફળ થયા છે. ૧૧૦ મીટરના બદલે હવે વધુ નીચેથી એટલે કે ડેમની ૮૮ મીટરની સપાટી સુધીથી ગુજરાત માટે પાણી ઉપાડી શકાશે. સરકારે ચોમાસા સુધીનું આયોજન કરી નાખ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યકત કરી જણાવ્યું કે, આ પરવાનગી મળતા રાજયમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે.

નર્મદા આધારિત પાણી મેળવતા ૧૦ હજાર જેટલા ગામો અને ૧૬૭ નગરને આના પરિણામે ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓનો પણ આભાર માન્યો છે.

ખેડૂતોને રવિ પાક અને ખરીફ પાક માટે અપાતા પાણીના જથ્થામાં કોઇ ફેરફાર કરાયેલ નહિ. જે તે વખતે નર્મદા ડેમમાંથી ગુજરાતને મળતા પાણીના જથ્થા સંજોગો મુજબ ઘટાડો થયેલ અને પ્રજાને તથા ખેડૂતોને પાણી આપવામાં સરકારે કોઇ ઘટાડો કર્યો નહોતો તેથી પાણીનો પ્રશ્ન ઉદ્ભવેલ. હવે વધુ પાણી ઉપાડવાની મંજુરી મળતા તે સમસ્યા રહેતી નથી.

(3:57 pm IST)