Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

૨૦ કરોડના ખર્ચે કાલુપુર શાક માર્કેટ આધુનિક થશે

ગુણવત્તાયુકત શાકભાજી ઉપલબ્ધ કરાવવા તૈયારીઃ અમ્યુકો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે : હાઇજેનિક શાકમાર્કેટ બનાવવાની દિશામાં તંત્રની કવાયત

અમદાવાદ,તા. ૧૦: અમદાવાદ શહેરમાં છ દાયકા જૂનુ કાલુપુર વિસ્તારમાં આવેલું શાકમાર્કેટ રૂ. ૨૦ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક અને હાઇજેનિક બનાવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ આ સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને શાકમાર્કેટના વેપારીઓ, તેમની સંખ્યા, તેમને ફાળવવાની જગ્યા સહિતના પાસાઓને ધ્યાનમાં લઇ અત્યાધુનિક  શાક માર્કેટ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા આજથી લગભગ છ દાયકા પહેલાં એટલે કે વર્ષ ૧૯૬૦માં કોટ વિસ્તારના નાગરિકો માટે કાલુપુર શાકમાર્કેટ બનાવાયું હતું. કાલુપુર શાકમાર્કેટની વર્ષોજૂની પ્રતિષ્ઠા હોઇ શહેરભરમાંથી લોકો શાક ખરીદવા રોજેરોજ ઊમટે છે, જોકે આ શાકમાર્કેટમાં અન્ય શાકમાર્કેટની જેમ વેપારીઓ કે ગ્રાહકોને રોડ પર વાહન પાર્ક કરવા પડતાં હોઇ ટ્રાફિક જામની સમસ્યા પણ હંમેશાં હોય છે, તેમાં ગંદકી, રખડતાં ઢોરનો ત્રાસ પણ પરેશાની વધારે છે. જો કે હવે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશના પગલે મધ્ય ઝોનના સત્તાવાળાઓએ કાલુપુર શાકમાર્કેટની કાયાપલટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. કાલુપુર શાકમાર્કેટમાં તંત્ર દ્વારા ટોટલ સ્ટેશન સર્વે હેઠળ અત્યાર સુધીમાં વિવિધ પુરાવાના આધારે ૧૦૮ થડાને માન્ય કરાયા છે, જોકે કાલુપુર શાકમાર્કેટમાં પણ ગેરકાયદે થડાનું દૂષણ ફૂલ્યુંફાલ્યું છે. જે પ્રકારે હાલમાં તંત્રના સર્વેની કામગીરી ચાલી રહી છે તેને જોતાં વધુ ૧પ૦ થડા મળીને અંદાજે રપ૮ થડાને સત્તાધીશો માન્ય ઠરાવે તેવી શકયતા છે. અન્ય ખાનગી કોર્પોરેટ કંપનીનાં શાકમાર્કેટની જેમ કાલુપુર શાકમાર્કેટને પણ એસીયુકત બનાવાની વિચારણા એક સમયે ચાલતી હતી, પરંતુુ હવે તેને હાઇજેનિક બનાવવાનું નક્કી કરાયું છે, જે હેઠળ શાકમાર્કેટમાં ખુલ્લી હવાની અવરજવરથી વાતાવરણ તાજગીભર્યું રહે, ચોખ્ખાઇ રહે, પ્લાનિંગ સાથેના થડા બને, આંતરિક રસ્તા ડીબી પેવર વર્કથી અપટુડેટ બને, વેપારીઓ અને ગ્રાહકો માટે ચાર ટોઇલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ થાય, બેઝમેન્ટમાં પૂરતી ર્પાકિંગની સગવડ મળે તેવી બાબતોનો સમાવેશ કરતી ડિઝાઇન બનાવાશે. હાલની કાલુપુર શાકમાર્કેટની જગ્યા આશરે ૮૧૦૦ ચોરસ મીટર હોઇ સત્તાવાળાઓએ પાસેની તરુણ મિલ કમ્પાઉન્ડમાં આવેલી મ્યુનિસિપલ માલિકીની એલ આકારની આશરે ર૦૦૦ ચોરસ મીટરની જગ્યા મળીને કુલ ૧૦,૧૦૦ ચોરસ મીટર જગ્યામાં એલ આકારનું બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોર વત્તા પ્રથમ માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવાશે. અત્યારે રોડ પર આડેધડ વાહન પાર્ક કરાય છે, પરંતુ આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રપ૦ ટુ વ્હિલર અને ૩૦ ફોર વ્હિલરની પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે.મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કોર્પોરેશનના મધ્ય ઝોન સહિતના પશ્ચિમઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન સહિત તમામ સાત ઝોનમાં ઝોનદીઠ એક આધુનિક શાકમાર્કેટ બનાવવાની તંત્રને સૂચના આપી છે, જેના કારણે જે તે ઝોનમાં હયાત શાકમાર્કેટનું કાલુપુર શાકમાર્કેટની જેમ અપગ્રેડેશન અથવા તો પ્લોટ શોધીને તે સ્થળે નવું શાકમાર્કેટ બનાવવાની તંત્રમાં દોડધામ મચી છે. દરમ્યાન આધુનિક કાલુપુર શાકમાર્કેટ અંગે મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલને પૂછતાં તેઓ કહે છે કે તંત્ર દ્વારા કાલુપુર શાકમાર્કેટનાં આધુનિક રંગરૂપ પાછળ આશરે રૂ.ર૦થી રર કરોડ ખર્ચાશે. આ શાકમાર્કેટને દોઢ વર્ષમાં તૈયાર કરવાનું તંત્રનું આયોજન છે.

(9:37 pm IST)