Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

તારાપુર-વટામણ રોડ નજીક સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

તારાપુર:તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા ઈન્દ્રણજ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર જલસણ ગામે રહેતો જનકભાઈ ઠાકોરભાઈ તળપદા (ઉ. વ. ૨૦)દશેક દિવસ પહેલાં જ બગોદરા ખાતે આવેલી આઈનોક્ષ વીંગ લી. કંપનીમાં નોકરીએ લાગ્યો હતો અને જલસણથી પોતાના સસરાનું એક્ટીવા નંબર જીજે-૨૩, એપી-૨૯૧૭નું લઈને જતો-આવતો હતો. ગઈકાલે સવારે તે સાતેક વાગ્યાના સુમારે ઉક્ત એક્ટીવા લઈને નોકરીએ ગયો હતો અને ત્યાંથી સાંજના સુમારે છુટીને પરત ઘર તરફ ફરતો હતો. સાડા છ વાગ્યાના સુમારે ઈન્દ્રણજ ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા ફોર વ્હીલરે ટક્કર મારતાં તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. 

જેથી તેને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે તારાપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તારાપુર પોલીસે આ અંગે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ફોર વ્હીલર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:27 pm IST)