Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સરકારે ૧૪૦૦ કરોડની મગફળી ખરીદી, ૧૧૦૦ કરોડ ચૂકવી દીધા

૧,૪૦,૨૭૫ ખેડૂતો પૈકી ૧,૦૮,૬૧૮ ખેડૂતોના ખાતામાં નાણા જમા

રાજકોટ, તા. ૧૦ :. રાજ્ય સરકારે ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે શરૂ કરેલી મગફળીની ખરીદી આગળ વધી રહી છે. આજે બપોર સુધીમાં ૧૨૨ માર્કેટયાર્ડના કેન્દ્રો પરથી ૧,૪૦,૨૭૫ ખેડૂતો પાસેથી ૨૮,૧૪,૭૩૦ કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત ૧૪૦૭ કરોડ જેટલી થાય છે. ગઈકાલ સાંજ સુધીમાં ૧,૦૮,૬૧૮ ખેડૂતોને રૂ. ૧૦૮૫.૧૩ કરોડ ચુકવી દેવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં ૧૧૦૦ કરોડ જેટલુ ચુકવણુ થઈ જશે. જે ખરીદ કેન્દ્રમાં ખરીદીની પ્રક્રિયા સંપૂર્ણ પુરી થઈ જાય ત્યાંના સ્ટાફને નજીકના બીજા કેન્દ્રમાં ફરજ પર મુકી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કુલ ૨.૩૩ લાખ ખેડૂતોએ મગફળી વેચવા ઓનલાઈન નોંધણી કરાવી છે.

મગફળી ખરીદી માટે ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે કાર્યરત નાગરિક પુરવઠા નિગમના એમ.ડી. શ્રી મનીષ ભારદ્વાજે જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદી પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ ૩૧ જાન્યુઆરીનો લક્ષ્યાંક આપ્યો છે. તે મુજબ આગળ વધી રહ્યા છીએ. ગોંડલ અને રાજકોટના જૂના માર્કેટયાર્ડ કેન્દ્રમાં જે બે કિસ્સા પ્રકાશમાં આવ્યા તેમા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય કોઈ કેન્દ્રમાંથી ફરીયાદ નથી. મગફળી ખરીદી પ્રક્રિયા પારદર્શક રીતે ચાલી રહી છે.(૨-૧૬)

(3:39 pm IST)