Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ધારાસભ્યો-સાંસદોને તંત્ર ગાઠતુ નથીઃ ખુદ સરકારના પરિપત્રમાં એકરાર

લોકપ્રતિનિધિઓના પત્રો તરફ યોગ્ય રીતે ધ્યાન અપાતુ નથી, ત્વરાથી પ્રતિભાવ અપાતા નથી, પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમીટીએ પણ નારાજગી દર્શાવીઃ પત્ર મળ્યાના ૧૫ દિવસમાં જ જવાબ આપવા સૂચનાઃ ફરીયાદો-વિશેષાધિકાર અંગેની રજુઆત બાદ કાર્યવાહીનો અહેવાલ કેન્દ્રના વિભાગને મોકલાશે

ગાંધીનગર, તા. ૧૦ :. રાજ્ય સરકારનું તંત્ર ધારાસભા અને લોકસભામાં ચૂંટાયેલા સભ્યોને ગાંઠતુ નથી તેવી છાપ દ્રઢ કરતુ વર્ણન ખુદ સરકારના જ પરિપત્રમાં દેખાયુ છે. સાંસદો - ધારાસભ્યોના પત્ર અંગે સમય મર્યાદામાં કાર્યવાહી કરવા બાબત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તા. ૭ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પરિપત્ર ક્રમાંક વહસ / ૧૦૨૦૧૯ / ૦૭ / વસુતાપુ-૨ પરિપત્ર વિભાગના અગ્રસચિવ સી.વી. સોમની સહીથી બહાર પાડયો છે. જેના પાના નં. ૩ ઉપર સાંસદો-ધારાસભ્યોના પત્રો તરફ યોગ્ય ધ્યાન ન અપાતુ હોવાનો તેમજ આ બાબતે પાર્લામેન્ટરી કમીટીએ નારાજગી વ્યકત કર્યાનો ઉલ્લેખ છે. આ ફકરાના કેટલાક વાકયો (મોટાભાગના) ધારાસભ્યો-સાંસદોનો વહીવટી તંત્રમાં કોઈ પ્રભાવ ન હોવાના એકરાર સમાન ગણાય છે. સરકારના વહીવટી તંત્ર પરની પક્કડ અંગે પણ સવાલ થયો છે. પરિપત્રમાં આ પ્રકારના વર્ણને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

સાંસદો-ધારાસભ્યોના રજુઆત પત્રો મળે પછી એક અઠવાડિયામાં તેની પહોંચ અવશ્ય આપવા સૂચના અપાયેલ છે. પહોંચને વચગાળાનો જવાબ ગણવાનો નથી. પત્રોનો આખરી જવાબ પત્ર વિભાગને મળ્યાના પંદર દિવસમાં પાઠવવો અનિવાર્ય કારણસર આ સમય મર્યાદામાં આખરી જવાબ પાઠવવો શકય ન હોય તો પત્રનો વચગાળાનો જવાબ પંદર દિવસમાં અચુક પાઠવવો. આખરી જવાબ મોડામાં મોડો બે માસની સમય મર્યાદામાં આપવો. ઈમેઈલથી કરવામાં આવેલી રજુઆતને પણ લેખિત રજૂઆત જેટલુ જ મહત્વ આપવું. લોકોપયોગી પાસાઓને લગતા હુકમો, પરિપત્રો, ઠરાવો સબંધિત વિભાગના સચિવની અનુમતી મેળવી સાંસદો, ધારાસભ્યો, વિપક્ષી નેતાને બારોબાર મોકલવાની વ્યવસ્થા કરવી તેમ પરિપત્રમાં જણાવાયુ છે.

પરિપત્રના પાના નં. ૩ ઉપર જણાવાયુ છે કે, સદરહુ સૂચનાઓ અમલમાં હોવા છતા પરિપત્રોની સૂચનાઓનો સરકારી અધિકારીશ્રી - કર્મચારીઓ દ્વારા ચૂસ્તપણે અમલ કરવામાં આવતો નથી, તે બાબતે સરકારશ્રીના ધ્યાન પર મુકવામાં આવેલ છે. સાંસદો - ધારાસભ્યશ્રીઓના પત્રો તરફ યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવતુ નથી તથા ત્વરાથી પ્રતિભાવ આપવામાં આવતો નથી તેવી કેટલીક ફરીયાદો ભારત સરકારના કર્મચારીગણ, લોક ફરીયાદ અને પેન્શન વિભાગને પણ મળેલ છે. પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટીએ પણ આ બાબતે નારાજગી વ્યકત કરેલ છે. ભારત સરકારે આ બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરી સાંસદો - ધારાસભ્યશ્રીઓના પત્રોનો સમયસર નિકાલ કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા જણાવેલ છે.

આથી સાંસદો - ધારાસભ્યશ્રી તરફથી મળતા પત્રોને જાહેર અગત્યતાના ગણી પુરતુ મહત્વ આપવામાં આવે તથા તેનો તાત્કાલીક નિકાલ થાય અને નિયત સમય મર્યાદામાં જવાબ આપવામાં આવે તે હેતુથી સંદર્ભમાં દર્શાવેલ તા. ૩૦-૪-૧૯૯૯ના પ્રવર્તમાન સૂચનોનો ચૂસ્ત અમલ કરવા અનુરોધ કરવામાં આવે છે.(૨-૬)

(11:25 am IST)