Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ગાંધી કે રૂપમેં થી આંધીઃ બાપુને સ્મરણાંજલિ અર્પવા મનસુખ માંડવિયાની ઐતિહાસિક પદયાત્રા

રાષ્ટ્રપિતાના ૧૫૦મી જન્મ જયંતી વર્ષ નિમિતે ગુજરાતમાં નૂતન આયોજનઃ તા. ૧૬મીએ તળાજાના મણારથી પ્રારંભ, ૨૨મીએ લોકભારતી સણોસરામાં સમાપન

રાજકોટ, તા. ૧૦ :. ભારત સરકારના રાજ્ય કક્ષાના ભૂતળ પરિવહન સહિત વિવિધ વિભાગોના રાજ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા તા. ૧૬થી ૨૨ જાન્યુઆરી સુધી ગાંધી વિચારોના ફેલાવા માટે પાલીતાણા પંથકમાં ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ગાંધીજીની જન્મ જયંતિનું ૧૫૦મું વર્ષ ઉજવાઈ રહ્યુ છે ત્યારે ગુજરાતમાં અને કદાચ દેશમાં પ્રથમ વખત આ પ્રકારની પદયાત્રાનું આયોજન થયુ છે.

આ પદયાત્રા આગામી તા. ૧૬-૧ના રોજ તળાજા તાલુકાના મણાર ખાતેની ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ખાતેથી સવારે ૯ કલાકે પ્રસ્થાન કરશે. બપોરે ૨ કલાકે ત્રાપજમાં પ્રથમ મહાવ્રતસભા સત્ય શિર્ષક તળે યોજાશે. સાંજે ૫.૨૦ કલાકે બેલા ખાતે બીજી મહાવ્રતસભા જાત મહેનત શિર્ષક તળે યોજાશે. તેમજ તા. ૧૭-૧ના સવારે ૧૦.૩૦ કલાકે ત્રીજી મહાવ્રતસભા સર્વધર્મ સમભાવ શિર્ષક તળે યોજાશે. બપોરે ૪.૩૦ કલાકે માયધાર ખાતે ચોથી મહાવ્રતસભા સ્વદેશી શિર્ષક તળે યોજાશે. તા. ૧૮મીએ બપોરે ૧૧ કલાકે અનિડા ખાતે અસ્વાદ શિર્ષકથી પાંચમી મહાવ્રતસભા યોજાશે. સાંજે ૪ કલાકે અભય શિર્ષક તળે શેત્રુંજી ડેમ ખાતે છઠ્ઠી મહાવ્રતસભા યોજાશે.

તા. ૧૯મીએ સવારે ૧૦.૨૦ કલાકે અસ્તેય શિર્ષક તળે મોટી પાણીયાળી ખાતે સાતમી મહાવ્રતસભા યોજાશે. સાંજે ૫ કલાકે પાલિતાણામાં અહિંસા શિર્ષક તળે આઠમી મહાવ્રતસભા યોજાશે. ૨૦મીએ બપોરે ૧૧ કલાકે ઘેટી ખાતે નવમી મહાવ્રતસભા યોજાશે. જ્યારે સાંજે ૪ કલાકે અપરિગ્રહ શિર્ષક તળે દૂધાળા ખાતે દશમી મહાવ્રતસભા યોજાશે. રાત્રીના ૮.૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ૨૧મીએ સવારે ૯.૩૦ કલાકે બ્રહ્મચર્ય શિર્ષક તળે રાણપરડા ખાતે ૧૧મી મહાવ્રતસભા યોજાશે. જ્યારે બપોરે ૪.૨૦ કલાકે વાળુકડા ખાતે વિનય સભા યોજાશે. તા. ૨૨મીએ લોકભારતી સણોસરા ખાતે સમાપન થશે.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે કે, 'પદયાત્રા એ વ્યાપક જનચેતના જગાવવા માટેનું અમોધ શસ્ત્ર છે. આ પૂર્વે ૨૦૦૪ અને ૨૦૦૭માં ક્રમશઃ 'બેટી બચાઓ બેટી પઢાઓ' અને 'વ્યસન મુકિત'ના વિષય સાથે પાલિતાણા તાલુકામાં પદયાત્રા યોજેલ જેના ખૂબ સરસ પરિણામો આજે પણ જોવા મળી રહ્યા છે. આ પદયાત્રા ગાંધીમૂલ્યો અને ગાંધીજીએ આપેલ શિક્ષણ પ્રણાલીને ઉજાગર કરવા માટે છે. પૂજ્ય બાપુની તથા ગાંધીયુગની અનુભૂતિ કરવાનો આ શ્રેષ્ઠત્તમ અવસર છે. જેમાં જોડાવવા રાજ્યના તમામ નાગરિકોને આમંત્રણ પાઠવું છું તથા યુવાનોને આ પદયાત્રામાં જોડાવવા ખાસ આગ્રહ કરૂ છું.'

પદયાત્રા વિશેની સમગ્ર માહિતી તથા રજિસ્ટ્રેશન સુવિધા પદયાત્રાની વેબ. www.Gandhi150PadYatra.in ઉપર ઉપલબ્ધ છે. ગાંધીનગરમાં ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૮૫૯ ઉપર પણ સંપર્ક સાધી શકાય છે.

પદયાત્રા એક, વિશેષતા અનેક

. પદયાત્રા પથ પરના ૩૫ ગામો સહિત કુલ ૧૫૦ ગામોમાં પાંચ દિવસ સુધી વિવિધ સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમ

. બુનિયાદી શિક્ષણ પદ્ધતિ આધારે કાર્યરત સંસ્થાઓને સાંકળીને રચાશે પદયાત્રા

. સમગ્ર રાજ્યની ગાંધીવાદી શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓની હાજરી

. મહાત્મા ગાંધીએ બતાવેલ ૧૧ મહાવ્રતોના આધાર પર '૧૧ મહાવ્રત સભાઓ' જેમાં દેશના શ્રેષ્ઠ વકતાઓની હાજરી

. ગાંધીયુગની અનુભૂતિ કરાવતું ઐતિહાસિક આયોજન

. સાંકળી લેવામાં આવેલ ગામડામાં સફાઈ, મેડીકલ કેમ્પ, વ્યસનમુકિત સંકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સન્માન, કૃષિ માર્ગદર્શન શિબિર, જેવા અનેક રચનાત્મક કાર્યક્રમો

. દરરોજ રાત્રીનાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

 

(9:52 am IST)