Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વડોદરામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 250 કચરા કેન્દ્ર નાબૂદ કરવામાં આવશે

વડોદરા: મ્યનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે વડોદરા શહેરમાં મૂકવામાં આવેલી કચરાપેટીઓ હટાવી દેવામાં આવશે જે અંગે કોર્પોરેશન દ્વારા જરૂરી વાંધા સૂચનો મંગાવાની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 250 જેટલા કચરા કેન્દ્રો આવેલા છે જેમાં સવારે જે કચરો ઠલવાય છે તે બપોર સુધીમાં ઉઠાવી લઈ ડમ્પિંગ યાર્ડમાં મોકલી આપવામાં આવતો હોય છે ત્યારે હવે તમામ કચરા કેન્દ્ર નાબૂદ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને ગારબેજ ફ્રી સ્ટાર રેટીંગ આપવાનું આયોજન થયું છે. જે અન્વયે સ્વચ્છ ભારત મિશન તથા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર વડોદરા કોર્પોરેશનને સેવન સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી જાહેર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે. તમામ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે. તમામ બલ્ક વેસ્ટ જનરેટરસ દ્વારા ઓન સાઇટ કોમ્પોસ્ટિંગ કરવામાં આવે છે. યુઝર ચાર્જીસની વસૂલાત સાથે પેનલ્ટી ચાર્જિસની વસૂલાત કરવામાં આવે છે. 75 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે. શહેરના ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય છે તેમજ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટના રિસાયકલ અને પ્રોસેસિંગ પ્લાન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. શહેરીજનો માટે ગ્રીવન્સ રીડ્રેસલ સિસ્ટમ સ્વચ્છતા એપ મારફતે ફરિયાદોનું નિરાકરણ થઈ રહ્યું છે. આ બાબતે કોઈપણ નાગરિકને વાંધા સૂચનો હોય તો દિન ૧૫માં કોર્પોરેશનની કચેરીમાં લેખિત રજૂઆત કરવા વિનંતી કરી છે.

(5:35 pm IST)