Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મની ટ્રાન્‍સફર-બિલ પે-આધારકાર્ડ થકી ચુકવણીની સર્વિસ આપતી ઇઝી-પે કંપની સાથે 19 લાખની છેતરપિંડીઃ અમદાવાદ સાયરલ સેલમાં ફરિયાદ

અમદાવાદ: મની ટ્રાન્સફર, બિલ પે, આધાર કાર્ડ થકી ચૂકવણી જેવી સર્વિસ આપતી EasyPay કંપની સાથે રૂ.19 લાખની ઠગાઈ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે કંપનીના મેનેજરે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 91 ગ્રાહકોના ખાતામાંથી રૂ.19 લાખની રકમ ઠગોએ સેરવી લીધી છે. આ અંગે બેંકોએ કંપનીને મેઈલ કરી જાણ કરતા ફરિયાદ નોંધાઈ હતી.

એસ.જી.હાઈવે પર રાજપથ કલબ સામે રંગીન પાર્ક સોસાયટીમાં આવેલી EasyPay પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જનરલ મેનેજર ફાઈનાન્સ તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ભાગ્યવંતસિંહ સોઢા (ઉં-33) કાવેરી સંગમ શીલજ સર્કલ ખાતે રહે છે.

ધર્મેન્દ્રસિંહએ સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓની કંપની ICICI અને YES બેંકની ઓથોરાઈઝ બિઝનેસ કોરસપોન્ડન્ટ પાર્ટનર છે. આ બન્ને બેંક વતી ફરિયાદીની EasyPay કંપની જુદા-જુદા શહેરોમાં ડિસ્ટ્રીબ્યુટર અને એજન્ટ બનાવી મની ટ્રાન્સફર, આધાર કાર્ડ દ્વારા ચુકવણી, બિલ પે જેવી વિવિધ સેવાઓ ગ્રાહકોને આપે છે.

EasyPay કંપનીના એજન્ટ બનવા માટે જે-તે વ્યક્તિએ પોતાનું KYC કરાવવું પડે છે. KYC કરાવવાની પ્રક્રિયા બે રીતે થાય છે. જેમાં E KYC જેમાં એજન્ટ બનનાર વ્યક્તિએ પોતાનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી નામ,મોબાઈલ નંબરની વિગત ભરવાની હોય છે. આધાર નંબર એન્ટર કરતા જ નામ,સરનામું આવી ગયા બાદ જે-તે વ્યક્તિએ પોતાની ફિંગર પ્રીન્ટ સ્કેન કરવાની હોય છે. જે ફિંગર પ્રીન્ટ આધારકાર્ડના UIDI ડેટા સાથે મેચ થાય તો તે વ્યક્તિનું KYC સક્સેસ થાય છે.

બીજી રીતે થતા મેન્યુલ KYCમાં જે -તે એજન્ટના ગવર્મેન્ટ ફોટો આઈડી જેવા કે, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ઇલેક્શન કાર્ડ જે-તે ડોક્યુમેન્ટની સ્કેન કોપી, ફોટો કોપી કંપની દ્વારા અપલોડ કરાવવામાં આવે છે. જે તે બેંક દ્વારા ડોક્યુમેન્ટ ચેક કરી એપ્રુવલ મળ્યા પછી એક-બે દિવસમાં કંપની એજન્ટને માન્યતા આપે છે.

EasyPayના એજન્ટનું કામ કંપનીની સેવાઓ ગ્રાહકો સુધી પહોંચતી કરવાનું છે. જે મુજબ ગ્રાહકને રોકડની જરૂરિયાત હોય તો એજન્ટ રોકડ રકમ ચૂકવે છે. તે પહેલાં ગ્રાહકનો આધાર નંબર અને ફિંગર પ્રીન્ટ લઈ એજન્ટ ગ્રાહકનું જે બેંક એકાઉન્ટ હોય તેણે EasyPayના એકાઉન્ટમાં લે છે.

EasyPay કંપનીનું સર્વર કલાઉડ હોસ્ટ મુંબઈ ખાતે છે. જેમાં EasyPay એપ્લિકેશન યુઝર્સના આઈપીલોગ, ડિવાઇસના IMEI, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, Lat Long, ડિવાઇસ મોડલ, ટ્રાન્ઝેકશનની તારીખ સમય(IST), RRN NO, એમાઉન્ટની માહિતીનો ડેટા સેવ થાય છે.

ગત તા. 31-10-2020ના રોજ ICICIએ ફરિયાદીની કંપનીને જાણ કરી કે, તમારા EasyPay ના એજન્ટે બેંકના ગ્રાહક સાથે રૂ.20 હજારની ઠગાઈ આચરી છે. ગ્રાહકે પોતાનો આધાર નંબર કે બાયોમેટ્રિક ફિંગરપ્રીન્ટ કોઈ જગ્યાએ આપી ન હોવા છતાં EasyPay દ્વારા તેની સાથે ઠગાઈ થઈ છે.

આથી EasyPay કંપનીએ જે-તે એજન્ટને બ્લોક કરી દીધો હતો. તે પછી પણ કંપનીને અલગ-અલગ બેંકો તરફથી મેઈલ મળ્યા જેમાં ઘણા ગ્રાહકોને EasyPay દ્વારા ભોગ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

EasyPayની પાર્ટનર બેંકો ICICI અને YES બેંકે 91 જેટલા ગ્રાહકોએ કોઈ જગ્યાએ પોતાનો આધારકાર્ડ નંબર કે બાયોમેટ્રિક પ્રિન્ટ ના આપી હોવા છતાં કુલ રૂ.18,94,500ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી.

બેંકોની ફરિયાદને પગલે EasyPay કંપનીના ફાઈનાન્સ મેનેજર ધર્મેન્દ્રસિંહે સાયબર સેલમાં તપાસ થવા સારૂ લેખિત અરજી આપી હતી. જે અંગે સાયબર સેલએ મંગળવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:18 pm IST)