Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 30 પ્રોફેસરોએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની મુલાકાત લીધી

યુ.કે.માં “ગ્લોબલ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશન સેક્ટર”ની તાલીમ બાદ અનુભવોનું પી.એમ.સાથે આદાન-પ્રદાન કર્યુ

અમદાવાદ :રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માના નેતૃત્વમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 30 પ્રોફેસરોએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રોફેસરો યુ.કે. ખાતે દસ દિવસની “ગ્લોબલ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશન સેક્ટર”ની તાલીમ લઈ પરત આવ્યા હતા અને વડાપ્રધાનને યુ.કે.ખાતેના અનુભવોથી વાકેફ કર્યા હતા. શ્રીમતી અંજુ શર્માએ આ તાલીમ કોર્સની ડિઝાઈન તૈયાર કરી હતી.

  શ્રીમતી શર્માએ જણાવ્યું હતું કે વિશ્વની બેસ્ટ શૈક્ષણિક પદ્ધતિનો દેશને અને ગુજરાતને વધુમાં વધુ કેવી રીતે લાભ મળી શકે તે હેતુથી ગુજરાત સરકાર અને યું.કે.ની સરકારના સંયુક્ત ઉપક્રમે આ તાલીમ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. કુલ ચાર ફેસમાં આ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાતની ૧૧ જેટલી ખાનગી અને સરકારી યુનિવર્સિટીના ૫000 પ્રોફેસરોને આ તાલીમ આપવામાં આવશે.

પ્રોફેસરોને આ તાલીમ આપવાથી યુ.કે. અને ભારતના નોલેજનું આદાન-પ્રદાન તો થશે જ પરંતુ તેની સાથો સાથ ૨૧મી સદીની ટેક્નોલોજી અને કુશળતાનો લાભ પણ દેશના અને ગુજરાતના યુવાનોને મળશે.

  વડાપ્રધાન સાથેની બેઠક દરમિયાન શ્રીમતી શર્માએ તેમના સ્વાગત પ્રવચનમાં આ પ્રોગ્રામ વિશેની વિગતવાર માહિતી આપી હતી. સુશ્રી શીતલ ભરવાડ, નિયામક, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામ (યુ.કે.) અને બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશનર મી. જોફ વેન પણ ઉપસ્થિત રહ્યા હતા.

(9:50 pm IST)