Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અનામત આંદોલન હવે અલ્પેશ કથિરિયાના નેતૃત્વમાં જ ચાલશે

ઘણા વિવાદ વચ્ચે હાર્દિકને આખરે કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવ્યો : જેલથી મુક્ત થયેલા આક્રમક નેતા અલ્પેશ કથિરિયાના નેતૃત્વને અન્ય પાટીદાર આગેવાનો અને કોંગ્રેસે આવકાર્યું : હાર્દિક પટેલ પર માછલા ધોવાવાનું શરૂ

અમદાવાદ,તા.૯ : આજે પાસના કન્વીનર હાર્દિક પટેલના હાથમાંથી અનામત આંદોલનની ધૂરા ખૂંચવાઇ ગઇ હતી. સત્તાવાર રીતે હવે સમગ્ર પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ અલ્પેશ કથીરિયાને સોંપાઇ ગયું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની જાણે હવે શરૂઆત થઇ છે. આ સાથે જ વિવિધ મુદ્દાઓ, સીડીકાંડ સહિતની અનેક વાતોને લઇ વિવાદમાં રહેલા હાર્દિક પટેલને આખરે કેદ પ્રમાણે વેતરી નંખાયો હોવાની ચર્ચા પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શરૂ થઇ છે. આંદોલનમાંથી અચાનક સાઇડટ્રેક કરી દેવાતાં હવે હાર્દિક પટેલેની છબી અને નેતૃત્વને બહુ મોટો કુઠારાઘાત પડયો છે. બહુ સિફતતાપૂર્વક હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી પતાવી દેવાની વ્યૂહરચનાને અંજામ આપી દેવાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. હાર્દિક પટેલને કદ પ્રમાણે વેતરી નંખાતાની સાથે જ તેની પર માછલાં ધોવાવાની શરૂઆત થઇ ગઇ છે. ખુદ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ, ભાજપના પાટીદાર નેતા રેશમા પટેલ સહિતના આગેવાનોએ હાર્દિકના વિવાદ અને આંદોલનની સાચી દિશાથી ભટકવાના મુદ્દાને લઇ તેની પર પ્રહાર કર્યા હતા.

        બીજીબાજુ, આજે ખુદ હાર્દિક પટેલે હવે પાટીદાર અનામત આંદોલન અલ્પેશ કથીરિયાના નેતૃત્વમાં ચાલશે તેનો સ્વીકાર કર્યો હતો અને એવી નિખાલસ કબૂલાત કરી હતી કે, લોકોને જેનામાં વિશ્વાસ હોય તેના નેતૃત્વ હેઠળ જ આંદોલન ચાલી શકે. હાર્દિક પટેલે લાજપોર જેલ ખાતે જણાવ્યું હતું કે, સરકાર રોકવાનો પ્રયાસ કરી રહી છે. અલ્પેશની જેલ મુક્તિને લઈને સુરત આવી રહ્યા હતા. ત્યારે ટોલ નાકા પર કારને રોકવામાં આવી હતી. અને આખી કારનું ચેકિંગ કરી ટાઈમ પસાર કરવામાં આવી રહ્યો હતો. જેથી અલ્પેશની જેલ મુક્તિના સમયે પહોંચી શક્યો ન હતો. જ્યારે સંકલ્પ યાત્રા માટે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. સમાજ હિત માટે અને પાટીદાર અનામતની માંગણી માટે અને સમાજની એકતા માટે અને સામાજિક અને આર્થિક ધોરણે જે લાભ મળે એ માટે પ્રયાસ કરી આગળ વધી રહ્યા છીએ. અલ્પેશ જ પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેમના નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. અલ્પેશ અમારો મુખ્ય ચહેરો છે, તેઓ જે પ્રકારે આયોજન કરશે તે પ્રકારે ચાલીશું. જે નેતૃત્વને લોકો સ્વીકાર કરે તે નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. દરમ્યાન એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આ મામલે મહત્વનું નિવેદન કરતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારો સહિત આમજનતાનો વિશ્વાસ ખોયો હતો એટલે કે, ગુમાવ્યો હતો અને તેની સામે અલ્પેશે લોકોનો વિશ્વાસ જીતી લીધો છે. અનામત આંદોલનની ટીમનો કેપ્ટન બદલાતાં હવે સમગ્ર ટીમને એક નવો જુસ્સો મળશે. એસપીજી પણ કથીરિયાના નેતૃત્વમાં આંદોલનની સાથે રહેશે. આંદોલન સાચી દિશામાં જાય તે જરૂરી હતું. આ જ પ્રકારે રેશમા પટેલે પણ હાર્દિકના નેતૃત્વને દિશાથી ભટકી રહ્યો હોવાનું કહી અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકાર્યું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકાર્યું હતું.

(8:05 pm IST)