Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મોદીની રેલીઓથી ભાજપ તરફી માહોલ સર્જાઈ ગયો

વિકાસને મતદારોએ જનમાનસમાં લીધો : ભાવસારઃ કચ્છમાં નર્મદાના નીર, સૌરાષ્ટ્રમાં સૌની યોજના, સુરતની બદલાયેલી મુરત, હાર્દિકથી ઘણા લોકો નાખુશની અસર

અમદાવાદ, તા.૯, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપ તરફી મતદાન થયું હોવાનો દાવો ભાજપના વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે આ અંગે મૂલ્યાંકન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, ભાજપ સરકારની કામગીરી અને તમામ વિકાસ કામોને ધ્યાનમાં લઇને મતદારો મતદાન કરી ચુક્યા છે તેમ લાગી રહ્યું છે. તેમણે વિગત આપતા કહ્યું હતું કે, સમાજની માંગણી અંગે સરકારે જે કંઇ પણ વાત કરી તેને મતદારો સારીરીતે સમજી શક્યા છે. નાણામંત્રી અરુણ જેટલી અને કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદની તર્કદાર રજૂઆત લોકોના ગળે ઉતરી છે. કોંગ્રેસ પાર્ટીએ ૫૦ ટકાથી વધુ અનામત આપવાની માંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છે. ખાસ કરીને પાટીદાર સમુદાયને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે. જેટલી અને રવિશંકર પ્રસાદ સતત કહેતા આવ્યા છે કે, ૫૦ ટકાથી વધુ અનામત આપવી શક્ય નથી. આ ઉપરાંત પણ ભાજપ સરકારે અનેક પગલા લીધા છે જેના ભાગરુપે ૧૦૦૦ કરોડનું યુવા સ્વાવલંબન પેકેજ, પોલીસ દમન સામે તપાસ પંચની રચના થઇ ચુકી છે. છેલ્લા તબક્કામાં કોંગ્રેસ પ્રત્યે પાસના આગેવાનોમાં પણ અસંતોષ જોવા મળી ચુક્યું છે. પાસના ઘણા આગેવાન ભાજપમાં જોડાઇ ચુક્યા છે. દિનેશ બાંભણિયા ચૂંટણીના આગલા દિવસે જ પાસ સાથે છેડો ફાડી ચુક્યા છે. આંદોલનના કેસ પાછાખેંચવા જેવા પગલા ભાજપે પહેલાથી જ લીધા હતા. બિન અનામત વર્ગ આર્થિક અને શૈક્ષણિક નિગમ આયોગમાં પાટીદારોને જવાબદારી સોંપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ લોકોમાં અકબંધ રહી છે. પહેલા મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતનું નામ મોદીએ રોશન કર્યું છે. ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ જેવા રાજ્યોમાં કોંગ્રેસની હાર થઇ છે અને લોકોનો વિશ્વાસ ભાજપમાં વધ્યો છે. મોદીની પડખે લોકો હંમેશા ઉભા રહ્યા છે. મોદીની ચૂંટણી સભાઓ પરથી આ બાબત સાબિત થઇ ચુકી છે. કચ્છમાં નર્મદાના નીર, સૌરાષ્ટ્રમાં સૌની યોજના, ભરુચમાં નવા બ્રિજ, ઘોઘા દહેજની રો-રો ફેરી, સુરતની બદલાઈ મૂરત, આર્થિક પ્રગતિ, આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટનો અમલ જેવા મુદ્દા ૮૯ બેઠકોમાં પ્રભાવી સાબિત થયા હોવાનો દાવો ભાજપના પ્રદેશ પ્રવક્તાએ કર્યો છે. જગદીશ ભાવસારનું કહેવું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં તથા સુરતમાં વરાછા વિસ્તારમાં પાટીદાર ફેક્ટર મહત્વપૂર્ણ રહ્યું છે પરંતુ છેલ્લા સપ્તાહમાં ભાજપના ઝંઝાવતી પ્રચાર અને હાર્દિક પટેલની કોંગ્રેસને મત આપવાની વાતથી ઘણો બધો વર્ગ નાખુશ થયો છે. વડાપ્રધાનની સભાઓ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા આડેધડ નિવેદનો, મણિશંકર અય્યરના નીચ જેવાશબ્દનો ઉપયોગ જેવા પરિબળોની અસર પ્રજાના માનસ ઉપર થઇ હોવાની વાત કરવામાં આવી છે. આ તમામ બાબતોથી ભાજપને પ્રથમ તબક્કામાં ફાયદો થશે તેવો દાવો પ્રદેશ પ્રવક્તાએ કર્યો છે.

 

(11:07 pm IST)