Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

એસએસજી હોસ્પિટલમાં દર્દીને લઇ જવા બાબતે બે ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરો બાખડ્યા

રાવપુરા:લુખ્ખા તત્વોનો અડ્ડો બની ચુકેલી એસએસજી હોસ્પિટલમાં ગુરૃવારે સવારે એક ગરીબ દર્દીને લૂંટી લેવાયો હોવાની ઘટના બની હોવા છતાં રાવપુરા પોલીસ ઉંઘતી રહી હોવાથી ગુરૃવારે રાત્રે જ એક દર્દીને લઇ જવા બાબતે બે ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઇવરો બાખડયા હતા. આ ઝઘડામાં બન્ને ડ્રાઇવરોના ટેકેદારો પણ જોડાતા ભારે રમખાણ મચી ગઇ હતી અને મારામારી તથા ગાળાગાળીના કારણે દર્દીઓ અને તેના સગા સંબંધીઓ પણ ડઘાઇ ગયા હતા.
એસએસજી હોસ્પિટલ રાવપુરા પોલીસ મથકની હદમાં આવે છે. પણ રાવપુરા પોલીસ કડક પગલા લેતી નહી હોવાથી  એસએસજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોની અવરજવર અને દારૃની મહેફિલો વધી છે. કેમ્પસમાં આડેધડ રિક્ષાઓ પાર્ક કરાયેલી હોય છે અને તેમાં બેઠા બેઠા જ અસામાજીક તત્વો દર્દીઓ પર નજર રાખતા હોય છે અને પછી ગરીબ અને અભણ દર્દીઓને શિકાર બનાવતા હોય છે.
 આ ઉપરાંત એસએસજીના કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની પણ બેહદ દાદાગીરી ચાલી રહી છે. કેટલાક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરો રાત્રે હોસ્પિટલ કેમ્પસમાં એમ્બ્યુલન્સો પાર્ક કરીને તેમાં ખુલ્લેઆમ દારૃની મોજ માણતા નજરે પડે છે. આ ડ્રાઇવરોમાં પણ બે જુથપડી ગયા અને આ બન્ને ગેંગો છાસવારે રમખાણો કરી રહી છે.
ગુરૃવારે રાત્રે વોર્ડ નં.૨૦ની બાજુમાં દર્દીની વર્દી આપવાના મામલે બે એમ્બ્યુલન્સ ડ્રાઇવરો વચ્ચે પહેલા બોલચાલ શરૃ થઇ હતી અને પછી વાત ગાળાગાળી પર પહોંચતા આ બન્નેના ટેકેદારઓ એવા અન્ય એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને વર્ગ ચારના કર્મચારી તરીકે કામ કરતા કેટલાક લોકો પણ આવી પહોંચ્યા હતા અને મધરાતે વોર્ડ નં.૨૦ નજીક રમખાણ મચી ગયુ હતું. આશરે એક કલાક સુધી આ બબાલ ચાલી હોવા છતાં એસએસજીના સિક્યોરિટી સ્ટાફે ન તો પોલીસને જાણ કરી હતી કે ન તો એસએજીના અધિકારીઓને જાણ કરી હતી.
રાવપુરા પોલીસે જો નાઇટ રાઉન્ડ દરમિયાન એસએસજીનો રાઉન્ડ લગાવ્યો હોત તો આ દારૃડિયા એમ્બ્યુલન્સ ચાલકો ઝડપાઇ જાત પરંતુ પોલીસે શિયાળાની ઠંડીમાં રાતના બહાર નીકળવાનું ટાળ્યુ હતું.

 

(6:26 pm IST)