Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ઢોલ - નગારા સાથે

સુરતમાં બે બહેનોએ કર્યું છેલ્લીવાર મતદાનઃ ૧૮ માર્ચે જૈન દીક્ષા અંગીકાર કરશે

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી છે. દરમિયાન સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી બે બહેનોએ છેલ્લી વખત મતદાન કર્યું છે. બન્ને બહેનો ત્રણ મહિના બાદ દીક્ષા લેવાની હોવાથી આ છેલ્લુ મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

રાંદેર વિસ્તારમાં રહેતી દોશી સિમોની (ઉ.વ.૨૨), દોશી સોનિકા (ઉ.વ.૨૪) મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી. આ બન્ને બહેનો આગામી ૧૮ માર્ચના  રોજ દીક્ષા લઈ રહી છે. બન્ને બહેનો ઢોલ-નગારા સાથે મતદાન મથક પહોંચી હતી. બન્ને બહેનોએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના બાદ દીક્ષા, લેવાની છે. જેથી આ અમારું છેલ્લુ મતદાન છે અને યુવાનોને મતદાન કરવા અપીલ કરી છે. યુવાનોએ મતદાન કરવું જ જોઈએ.

જૈન અગ્રણી અજીત મહેતાએ જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં કોઈપણ ફિરકામાં  એકવાર દીક્ષા લઈ લીધા બાદ  મહારાજ સાહેબ કે સાધ્વી મહારાજ સાહેબ મતદાન કરતાં નથી. આ બહેનો પણ દીક્ષા બાદ માત્ર ભગવાન સાથે જ સીધો સંબંધ બધાની જેમ રાખશે.(૩૦.૭)

 

(4:04 pm IST)