Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભઃ આજે ૧૮૪૨ ખેડૂતોને સરકારે તેડાવ્યા, આવ્યા માત્ર ૬

પ્રથમ દિવસે બપોર સુધીનું ચિત્રઃ ખેડૂતોને ટેકા કરતા ખૂલ્લા બજારનું વધુ આકર્ષણ

રાજકોટ, તા. ૯ :. રાજ્ય સરકારે આજથી ૯૦ દિવસ માટે રાજ્યમાં ટેકાના ભાવ મણના રૂ. ૧૧૧૦ના લેખે મગફળી ખરીદીનો પ્રારંભ કર્યો છે. પ્રારંભે ખેડૂતોનો નબળો પ્રતિસાદ છે. ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ટેકાના ભાવ કરતા વધુ મળતા હોવાથી અને તુરત નાણા મળી જતા હોવાથી ખેડૂતોને ટેકાના ભાવમાં મગફળી વેચવામાં ઓછો રસ પડયો છે. આજે પ્રથમ દિવસે રાજ્યમાં ૧૮૪૨ ખેડૂતોને મગફળી લઈને આવવા માટે એસએમએસ કરવામાં આવેલ. જેમાંથી બપોર સુધીમા માત્ર ૬ ખેડૂતોએ મગફળી વેચી છે. કેટલાક કેન્દ્રો પર મગફળી ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાંજ સુધીમાં આજે મગફળી વેચનાર ખેડૂતોનો આંકડો માંડ ૧૦૦ સુધી પહોંચે તેવી ધારણા છે. આવતીકાલથી દરેક કેન્દ્ર પરથી ૫૦ - ૫૦ ખેડૂતોને મેસેજ મોકલવામાં આવશે. આજે બપોર પછી પણ મગફળીની ખરીદી ચાલુ છે. જે ખેડૂત પાસેથી મગફળી ખરીદીની સંપૂર્ણ પ્રક્રિયા પુરી થઈ જાય પછી તેને રેકોર્ડ પર લેવામાં આવે છે. આજનો ૬નો આંકડો બપોર સુધીના રેકોર્ડ આધારીત છે.

મગફળી વેચવા માટે ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ. જેમાંથી ૨૨૦૬૮૬ ખેડૂતોની નોંધણી માન્ય રહી હતી. આજે ભેજ જેવુ વાતાવરણ હોવાથી અમુક જિલ્લામાં ખેડૂતોને બોલાવાયેલ નહિ. મગફળી ખરીદવા માટે ૧૫૦ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે ૧૮૪૨ ખેડૂતોને તેડાવવામાં આવ્યા હતા. બપોર સુધીમાં નોંધાયેલ રેકોર્ડ મુજબ ૬ ખેડૂતો પાસેથી રૂ. ૬.૮૮ લાખની ૧૨૩.૯૦ કવીન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. સાંજ સુધીમાં આ બધા આંકડામાં વધારો થશે. આ વર્ષે કુલ ૧ લાખ અંદર ખેડૂતો મગફળી સરકારને વેચે તેવી ધારણા છે. મગફળી વેચ્યા પછી અઠવાડીયામાં ખેડૂતના ખાતામાં નાણા જમા થઈ જશે તેમ નાગરિક પુરવઠા નિગમના વર્તુળોનું કહેવુ છે.

(3:52 pm IST)