Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આઝાદી વખતે અમદાવાદમાં રેફયુજી વસાહત ઉભી કરનાર પ્રથમ ટાઉન પ્લાનર જમનાદાસ પટેલનું ૧૦૪ વર્ષની વયે અવસાન

રાજકોટ : ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર શ્રી જમનાદાસ પટેલનું ૧૦૪ વર્ષની વયે અવસાન થતાં ઘેરો શોક છવાયો છે. અમદાવાદ નજીક આવેલ સાણંદના ખેડૂતપુત્રે ટાઉન પ્લાનર તરીકે સાપુતારાને હિલસ્ટેશન તરીકે વિકસાવવા ઉપરાંત અંબાજી મંદિરની ડિઝાઇન કરેલ હતી.

જેઓ કોરોના મહામારીના પ્રારંભ પહેલા અમદાવાદની ગુલબાઇટેકરા નજીક આવેલ અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેલા ત્યારે અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતિષભાઇ પટેલ અને ટ્રસ્ટીશ્રી મનીષભાઇ ચાંગેલાએ આવકાર્યા હતાં. સ્વ. જમનાદાસ પટેલે આઝાદી વખતે અમદાવાદના વાડજમાં ભારતની પ્રથમ રેફયુજી વસાહત ઉભી કરી હતી.

૧૯૪૯ વખતે પંડિત નહેરૂના કહેવાથી માત્ર ૧પ દિવસમાં રાજઘાટ પર ગાંધી મંડપ બનાવ્યો હતો. અંબાજી મંદિરના જૂના નાના મંદિરને યથાવત રાખી નવું ભવ્ય મંદિર બનાવ્યું. ટૂરિઝમ હેતુથી સાપુતારા હિલ સ્ટેશન ઉભું કયું.

સાણંદમાં ખેડૂત પરિવારને ત્યાં જન્મેલા જમનાદાસ પટેલે બૃહદ મુંબઇની એકમાત્ર 'એન્જિનિયરિંગ કોલેજ ઓફ પૂના'માં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ કોલેજ કાળમાં ૧૯૪૪ વખતે ગાંધીજીએ કરેલા 'ભારત છોડો' એલાનથી પ્રેરણા લઇ અભ્યાસ છોડી આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા. ૧૯૪૭માં એન્જિનિયર થયા બાદ દિલ્હી સેન્ટ્રલ પી.ડબ્લુ.ડી.માં આસિસ્ટન્ટ એકિઝકયુટિવ એન્જિનિયર તરીકે કામગીરી શરૂ કરી હતી. એ વખતે રાજઘાટ પર ગાંધી મંડપનું કામ ચાલતુ હતું.  આ કામનો બહિષ્કાર કરીને તમામ એન્જિનિયરો અચાનક જતા રહેલા. આવા કપરા સમયે જાન્યુઆરી ૧૯૪૯ વખતે પંડિત જવાહરલાલ નહેરૂના કહેવાથી માત્ર ૧પ દિવસમાં આ કામ પુરૂ કર્યું અને ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ તેમને સન્માનિત કર્યા હતાં.

(2:58 pm IST)