Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અમદાવાદમાં વીમા કંપનીએ મેડીક્‍લેઇમ પોલીસીમાં મોતિયાના ઓપરેશનની રકમ પૂરેપૂરી નહીં ચૂકવતા મામલો ગ્રાહક કોર્ટ સુધી પહોંચ્‍યો

અમદાવાદ : મેડિક્લેઇમ પોલીસીમાં મોતિયાના ઓપરેશનની પુરી રકમ ચૂકવી નહીં હોવાથી મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે જૂની પોલીસીમાં નવી શરતો અમલી બનાવી શકાય નહીં તેવું અવલોકન કર્યું છે અને ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમિટેડ તથા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કંપની રક્ષા હેલ્થ ઇન્સ્યોરન્સને ફરિયાદી મહિલાને ક્લેઇમની ચુકવવાની બાકી નીકળતી રકમ 27,350 રૂપિયા 2018થી 8 ટકાનાં વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે. તેની સાથોસાથ મહિલાને બે હજાર રૂપિયા માનસિક ત્રાસ આપવાના તથા એક હજાર રૂપિયા ખર્ચ પેટે ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

શહેરનાં બોડકદેવ વિસ્તારના પુષ્પરાજ ટાવરમાં અનુપમ ગાંધી તેમના પત્ની પલ્લવીબેન ગાંધી સાથે રહે છે. આ દંપતિએ 2001થી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં 3 લાખની મેડિકલેઇમ પોલીસી લીધેલી છે. દરમ્યાનમાં પલ્લવીબેનનું આઇ સર્જન ડૉ. શમિલ ગાંધી પાસે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. તે પેટે રૂપિયા 51,350 રૂપિયા ખર્ચ થયો હતો. જેથી તેમણે વળતર મેળવવા માટે ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ કર્યો હતો. તેમાં કંપનીએ માત્ર 24,000 રૂપિયા જ ચુકવ્યાં હતાં. બાકીના 27,350 રૂપિયા નામંજુર કર્યાં હતાં.

કંપનીની સર્વિસમાં ખામી છે અને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી હોવાનો ફરિયાદીનો આક્ષેપ

આ અંગે દંપતિએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિનાં પ્રમુખ મુકેશ પરીખ સમક્ષ ફરિયાદ કરી હતી. તેને ધ્યાનમાં લઇને મુકેશ પરીખે અમદાવાદ શહેર ( એડીશનલ ) ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તેમનાં તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, કંપનીની સર્વિસમાં ખામી છે અને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદીને બાકીની ક્લેઇમની રકમ રૂ. 27,350 18/1/2018થી ચુકવે ત્યાં સુધી 18 ટકા વ્યાજ સાથે ચૂકવે તેમજ માનસિક ત્રાસના 10,000 રૂપિયા તથા ખર્ચ પેટે રૂ. 1 હજાર ચૂકવવાની દાદ માંગી હતી.

કંપની તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, પોલીસી કલોઝ નં. 2.7 હેઠળ 27,350 રૂપિયા ચુકવાયા નથી અને મોતિયાનાં ઓપરેશનમાં વધુમાં વધુ રૂપિયા 24,000ની રકમ ચુકવવાની મર્યાદા છે. જેથી બાકીની રકમ ચુકવી શકાય નહીં. જ્યારે ફરિયાદ પક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, અમે 2001થી પોલીસી ઉતરાવી છે. અમારી પોલીસી કોઇ પણ જાતની બ્રેક વગર સતત રિન્યુ કરાવી છે. મેડિક્લેઇમ પોલીસી 2007ની શરતો તેમને લાગુ પડતી નથી. આ સુધારા અંગે પોલીસી હોલ્ડરની મંજુરી લેવામાં આવી નથી. જેથી તેમને નવી શરતો લાગુ પાડી શકાય નહીં.

પક્ષકારોને રજૂઆતને ધ્યાનમાં લઇને ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ કે.એસ. પટેલ તથા સભ્યો એચ.જે. ધોળકીયા તથા કે.પી. મહેતાએ ફરિયાદીને કલેઇમની બાકી નીકળતી રકમ 2018થી 8 ટકાનાં વ્યાજે ચૂકવવા સહિતનો ઉપર્યુક્ત આદેશ આપ્યો હતો.

(5:28 pm IST)