Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સાબરમતી જેલમાં કાચા કામના કેદીના મોતને લઇ ભારે ચકચાર

શંકાસ્પદ મોતને લઇ જેલ સંકુલમાં ભારે ચર્ચાઃ રાણીપ પોલીસે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી : પરિવારજનોનો પોલીસ મારથી મોત થયાનો આક્ષેપ

અમદાવાદ, તા.૯: શહેરના કલાપીનગરમાં રહેતા અને કાચાકામના કેદી યુવકનું ગઇકાલે સાબરમતીની સેન્ટ્રલ જેલમાં મોત થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને કાચા કામના કેદીના શંકાસ્પદ મોતને લઇ જેલ સંકુલ તેમ જ કેદીવર્તુળમાં ભારે ચર્ચા ચાલી હતી. આ સમગ્ર બનાવ અંગે રાણીપ પોલીસે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જો કે, પરિવારજનોએ પોલીસના મારથી યુવકનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેઘાણીનગર પોલીસે શુક્રવારે કલાપીનગરમાં આવેલ ખાડાવાળી ચાલીમાં રહેતા સંજય અઠવાલ (ઉં.વ.૩પ) નામના યુવકને દારૂ સાથે ઝડપ્યો હતો. પોલીસે આરોપી સંજયને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવા હુકમ કર્યો હતો. પરિવારજનોએ સોમવારે કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે સંજયને જામીન આપ્યા હતા. પરિવારજનો બીડુ લઇ સાબરમતી જેલ પહોંચ્યા હતા. જેલમાં બીડુ આપ્યા બાદ જેલની બહાર સંજયના મુક્ત થવાની રાહ જોતા હતા, પરંતુ રાત્રે ૯ વાગ્યા સુધી સંજયને મુક્ત નહીં કરાતાં જેલમાં પૂછપરછ કરી હતી. જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી સંજયને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગયા છે.

પરિવારજનોએ હોસ્પિટલમાં તપાસ કરતાં સંજયને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સંજયના શરીર પર બેલ્ટથી માર મરાયો હોવાનાં નિશાન મળી આવ્યાં છે. સંજયનું પોલીસના મારથી મોત થયું છે, જોકે રાણીપ પોલીસે બીમારીથી મોત થયું હોવાનું કારણ દર્શાવી અકસ્માતે મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવકના પરિવારજનોએ આ સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગણી પણ કરી છે.

(10:18 pm IST)