Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વિજયભાઇએ ૨૬ જીલ્લાઓમાં કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સનો પ્રારંભ કરાવ્‍યો

ઉત્તરાયણ દરમ્‍યાન ‘કરૂણા અભિયાન' ને મળેલી સફળતાને પગલે મુખ્‍યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય

  અમદાવાદ : મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણી આજે મંગળવાર તા.૯ ના રોજ રાજયના ર૬ જિલ્લાઓમાં મૂંગા પશુ-પક્ષી જીવોની સારવાર, ઇમરજન્‍સી સેવા અને ચિકિત્‍સા માટે કરૂણા એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ ૧૯૬ર'નો શુભારંભ કરાવ્‍યો હતો.

 ગાંધીનગરમાં સ્‍વર્ણિમ સંકુલ-૧ ના નર્મદા હોલમાં સવારે ૧૦-૩૦ વાગ્‍યે યોજાયેલ   સમારોહમાં નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્‍થિત રહયા હતા.

મુખ્‍યમંત્રી શ્રીએ આ કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬રને ફલેગ ઓફ આપી સંબંધિત જિલ્લાઓમાં પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ સંવેદનાસભર અભિગમ દર્શાવી મકરસંક્રાંતિ - ઉત્તરાયણ વેળાએ પતંગના દોરાથી ઘાયલ-ઇજાગ્રસ્‍ત થતાં પક્ષીઓની તત્‍કાલ સારવાર માટે કરૂણા અભિયાન' શરૂ કરાવ્‍યું હતું.

આ અભિયાનને મળેલી વ્‍યાપક સફળતાને પગલે ૧૦૮ આપાતકાલિન સેવાઓની  જેમજ કરૂણા એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬ર સેવાઓ અગ્રતાના ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ ૧૧ કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬ર સેવા ૨૦૧૭થી ઉપલબ્‍ધ બનાવી છે. આ સેવાઓ દ્વારા રર હજાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ અબોલ પશુજીવોની સેવાના આ યજ્ઞને વધુ વ્‍યાપક ફલક આપવા પશુપાલન વિભાગને પ્રેરિત કર્યુ છે. તેના પગલે રાજયના ર૬ જિલ્લાઓ આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, નડિયાદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્‍દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, કચ્‍છ, ડાંગ, વલસાડ, મહિસાગર, નવસારી તેમજ તાપી, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તથા નર્મદામાં   કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬રનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

(3:48 pm IST)