Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગુજરાત અને અમદાવાદ હંમેશ માટે શાંત હતા અને શાંત રહેશે, કોઈ અશાંત કરી શકશે નહિં: અશોકકુમાર યાદવનો તોફાનીઓને સ્પષ્ટ મેસેજ

કોઈ ભયનો માહોલ નથી, કાનૂન તોડનારને છોડાશે નહિ, ખોટા ફોન કોલ્સ દ્વારા પોલીસનો સમય ન બગાડવા પણ એડી. પોલીસ કમિશ્નરની અપીલ

રાજકોટ, તા. ૯ :. ગુજરાતમાં શાંતિ ડહોળવાના પ્રયત્નના ભાગરૂપે પરપ્રાંતિયો ઉપર હુમલાની ઘટનાઓ અટકાવવા માટે ગુજરાત પોલીસે પ્રાયોરીટી આપી. જિલ્લા કક્ષાએ આઈજી લેવલના અધિકારીઓને સુપરવિઝનની જવાબદારી સોંપવા સાથે પરપ્રાંતિયોના કામના સ્થળે તથા વસવાટ સ્થળે પહોંચી સલામતીનો અહેસાસ કરાવવા પોલીસે ખાસ એકશનપ્લાન ઘડયો છે.

બીજી તરફ સોશ્યલ મીડીયામાં ભડકાઉ નિવેદનો, લખાણો દ્વારા તોફાનો વકરે તેવા પ્રયાસ કરનારા સામે ખાસ પ્રકારના સાયબર સેલને કામગીરી સુપ્રત કરી દેવામાં આવી છે. ગઈકાલે સોશ્યલ મીડીયાના લખાણ આધારે પોલીસ કંટ્રોલરૂમને ૧૦૦ જેટલા ફોન મળ્યા તેમા મોટાભાગના ફોન કોલ્સની વિગતો ખોટી હતી અને પોલીસ કારણ વિના દોડતી રહી હતી. આવુ કૃત્ય કરી પોલીસનો સમય ન બગાડવા અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે અકિલાના માધ્યમથી લોકોને અપીલ કરી છે. લોકોને કોઈપણ જાતના ડર વિના પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખવાની અપીલ ખાસ ઓડીયો મેસેજ દ્વારા અશોકકુમાર યાદવે કરી છે. કાનૂન તોડનાર સામે સખત હાથે કામ લેવાય રહ્યુ છે. કોઈપણ મુશ્કેલી સમયે પોલીસને ફોન કરવાથી પોલીસ તૂર્ત જ દોડી આવશે તેવી એડી. પોલીસ કમિશ્નરે ખાત્રી આપી છે. ભયનો માહોલ ચોક્કસ લોકો દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે, અમદાવાદ અને આખુ ગુજરાત શાંત શહેર અને રાજ્ય છે અને રહેશે જ તેમા કોઈ મીનમેખ નથી તેમ પણ તેઓએ ઓડીયો મેસેજમાં જણાવ્યું છે.

(3:30 pm IST)