Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

લીંબુના ભાવ આસમાને આંબ્‍યા : કિલોનો ભાવ વધીને રૂા. ૧૪૦ સુધી પહોંચી ગયા

છેલ્લા પખવાડિયાથી શાકભાજીના ભાવમાં ક્રમશઃ વધારો જોવા મળ્‍યો

અમદાવાદ તા. ૯ : ઉનાળા જેવી જ ગરમીની સિઝન અત્‍યારે ચાલી રહી છે. ગરમીના પારાએ ૩૮ને પાર કરતાં જ લીંબુનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. ગઈ કાલે રવિવારે માર્કેટયાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ પ્રતિકિલો રૂ. ૧૦૦ પર પહોંચી ગયો હતો. જયારે છૂટક બજારમાં લીંબુ ૧પ૦ થી ૧૬૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. ગરમીથી બચવા માટે લીંબુનો ઉપયોગ વધારે થવાથી લીંબુની માગ વધારે રહે છે.

બીજી તરફ માર્કેટમાં લીંબુની આવકમાં ઘટાડો જોવા મળ્‍યો છે. પહેલાં રોજ ૩૦ ટ્રક લીંબુ આવતાં હતાં તે ઘટીને અત્‍યારે ૧૦ ટ્રકની આવક થઇ ગઇ છે, જેના કારણે લીંબુનો હોલસેલમાં ભાવ રૂ. ૯૦થી ૧૦૦ પહોંચી ગયો છે, જયારે છૂટક બજારમાં લીંબુ ૧પ૦થી ૧૬૦ સુધી વેચાણ થઇ રહ્યાં છે.

એપીએમસીના સેક્રેટરી દીપકભાઇ પટેલે જણાવ્‍યું કે હાલ લીંબુની ૧૦ થી ૧ર જ ટ્રક આવે છે. તેથી ભાવ ઊંચકાયા છે. આ પરિસ્‍થિતિ હજુ ૧પ દિવસ રહેવાની શક્‍યતા છે. હાલ તાપમાનમાં વધારો થતાં તાજેતરમાં ૩૯ની ઉપર તાપમાનનો પારો પહોંચતાં ઉકળાટની બૂમરાણ સાથે જો આપ લીંબુ પાણી પીવા માગતા હો તો તે પણ હવે મોંઘું થઇ ગયું છે.

ગરમીના દિવસો અને મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશમાં પરિસ્‍થિતિની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા પખવાડિયાથી શાકભાજીના ભાવમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. મરચાં પણ ૩૦ રૂપિયાના રપ૦ ગ્રામના ભાવે છૂટક બજારમાં વેચાઇ રહ્યાં છે.

સામાન્‍યપણે ગરમીની સિઝનમાં પાક ઓછો ઊતરતો હોવાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે, તેમાં ખાસ કરીને લીંબુના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો થાય છે, પરંતુ આ વર્ષે સ્‍થિતિ વધુ કફોડી બની છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી આવતાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે.

મરચાં મહારાષ્ટ્રથી તો લીંબુ આંધ્રપ્રદેશથી આવે છે. લીંબુના પાકને પાણી વધારે જોઈએ છે, પરંતુ આ વર્ષે પાણીની અછતના પગલે પહેલાં તો ક્‍વોલિટી લીંબુ આવી રહ્યાં નથી અને જે આવી પણ રહ્યાં છે તે ખૂબ જ મોંઘાં છે. લીલા કલરના અને પૂરતા રસ વગરના જાડી છાલનાં મળી રહ્યાં છે.

વેપારીઓનું કહેવું છે કે શાકમાર્કેટમાં લીલાં શાકભાજીની આવકમાં ધરખમ વધારો થયો છે, જેના લીધે ભાવ થોડા પ્રમાણમાં ઘટ્‍યા છે. શિયાળુ શાકભાજી ની આવકને હજુ વાર લાગશે. તેથી કોથમીરના કિલોના ભાવ રૂ.૧૦૦ થયા છે તો લીલાં મરચાંય રૂ.૬૦-૮૦ કિલો બજારમાં વેચાઇ રહ્યાં છે.

ભીંડા, મેથી, રીંગણ, દૂધીનું કિલોના રૂ.૪૦-૪૫ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. પરવળ રૂ. ૬૫, ગવાર રૂ.૫૫-૬૦, કોબી રૂ.૩૫ના ભાવે છૂટકમાં વેપારીઓ વેચી રહ્યા છે. બટાકા હવે કિલોના રૂ.૩૦માં વેચાતા થયા છે. ટામેટાંના ભાવ ગગડ્‍યા છે એટલે રૂ.૩૦ થી ૪૦ કિલોમાં વેપારીઓ વેચી રહ્યા છે.

(11:05 am IST)