Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નવરાત્રિ : સ્વાઇન ફલુ વધુ ન વકરે તે માટે સરકાર કટિબદ્ધ

સ્વાઇન ફલુની પીઆઇએલમાં સરકારનું સોગંદનામું: ગરબા આયોજકોને પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એઇડ અને હેન્ડ સેનીટાઇઝર સહિતની જરૂરી વસ્તુઓ રાખવા સૂચના

અમદાવાદ, તા.૮: રાજયમાં વકરતી જતી સ્વાઇન ફલુની સ્થિતિ અને આ મામલે અગાઉ ગુજરાત હાઇકોર્ટે જારી કરેલા મહત્વપૂર્ણ આદેશોનુ ચુસ્તપણે પાલન કરાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટમાં રાજય સરકાર તરફથી અગત્યનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જાહેર મેળાવડામાં સ્વાઇન ફલુનો ચેપ વધુ ફેલાતો હોવાથી સરકારે હાઇકોર્ટને હૈયાધારણ આપી હતી કે, નવરાત્રિના રાસ-ગરબા દરમ્યાન પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એઇડ અને હેન્ડ સેનીટાઇઝર સહિતની જરૂરી વસ્તુઓ રાખવા આયોજકોને ખાસ સૂચના જારી કરાઇ છે અને સરકાર દ્વારા આ બાબતે ગરબા આયોજકો તેમ જ પાર્ટીપ્લોટ-કલબ સંચાલકોને પ્રોત્સાહિત કરાશે. નવરાત્રિ દરમ્યાન સ્વાઇન ફલુ વધુ ના વકરે તે માટે સરકાર સજાગ અને ગંભીર છે. રાજય સરકાર તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામામાં વધુમાં જણાવાયું હતું કે, સ્વાઇન ફલુથી બચવા ગરબા આયોજકોએ લોકોને જાગૃતિસભર માહિતી પૂરી પાડવાની રહેશે. આ માટેના જરૂરી હોર્ડિંગ્સ પણ લગાવવાના રહેશે કે જેથી નવરાત્રિ દરમ્યાન સ્વાઇન ફલુનો વધુ પ્રમાણમાં કહેર ના વર્તાય. સપ્ટેમ્બર મહિના સુધીમાં રાજયમાં સ્વાઇન ફલુ પોઝીટીવના ૭૮૬ કેસો નોંધાયા છે, જેમાં અત્યારસુધીમાં ૩૦થી વધુના મોત નીપજયા છે. સરકારે દેશના અન્ય રાજયોના સ્વાઇન ફુલના આંકડા પણ કોર્ટના રેફરન્સ માટે રજૂ કર્યા હતા. જે મુજબ, રાજસ્થાનમાં સ્વાઇન ફલુના ૧૬૫૪ કેસો અને ૧૬૪ મૃત્યુ, મહારાષ્ટ્રમાં ૧૧૬૭ કેસો અને ૧૦૧ મોત, તામિલનાડુમાં ૧૪૩ કેસો અને પાંચના મૃત્યુ, તેલગાંણામાં ૬૩ કેસ અને એકનું મોત, મધ્યપ્રદેશમાં ૨૪ કેસ અને દસના મોત, પંજાબમાં ૨૮ કેસ અને દસના મૃત્યુ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ૬૧૪ કેસો અને ૩૨ મૃત્યુ નોંધાયાની વાત રજૂ કરાઇ હતી. કુલ ૪૪૮૪ કેસ અને ૨૫૩ મૃત્યુની વિગતવાર માહિતી કોર્ટના રેકર્ડ પર રજૂ થઇ હતી. રાજય સરકારે દાવો કર્યો હતો કે, રાજયમાં અંદાજે પોણા ચાર કરોડ લોકોને ઘેર ઘેર જઇ પ્રાથમિક તપાસ કરી પ્રાથમિક સારવાર અપાઇ છે. તાવ માટે ખાસ હેલ્પલાઇન ઉભી કરાઇ છે. ૧૦૪ હેલ્પલાઇન પર તાવથી પીડાતા લોકો ફોન કરી પોતાના ઘરઆંગણે મફત સારવાર મેળવી શકે છે.

 રાજયમાં સ્વાઇન ફલુના ટેસ્ટ માટે નવ લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવી છે, તો, સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં સ્વાઇન ફુલની મફત સારવાર અપાઇ રહી છે. એટલું જ નહી, સ્વાઇન ફલુના દર્દીઓ માટે અલગથી આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. સરકાર સ્વાઇન ફલુને નાથવા અને તેનો વધુ ફેલાતો અટકાવવાના તમામ પગલાઓ લઇ રહી છે.

(9:44 pm IST)