Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થયો : ખાંભા આઠ ઇંચ

આઠ ઇંચથી વધુ વરસાદથી ખાંભામાં જળબંબાકારની સ્થિતિ :કેશોદ, મહુવામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ : વંથલીમાં પણ ધોધમાર વરસાદ ગુજરાતના ૧૧૮ તાલુકામાં જોરદાર વરસાદ : રાજકોટમાં ઘુંટણસમા પાણી

અમદાવાદ, તા. ૮ : ગુજરાતમાં વરસાદી માહોલ જોરદારરીતે સક્રિય રહેતા ભારે વરસાદ જારી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અમરેલીના ખાંભામાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો. બીજી બાજુ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થયો હતો. જુનાગઢના કેશોદમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. બીજી બાજુ જામકંડોરણામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. મહુવામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વંથલીમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. વેરાવળ, ભાવનગર, વંથલી, તળાળા, જુનાગઢમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. બીજી બાજુ કચ્છના ભુજ, નખત્રાણા, મુંદ્રા, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં રાજ્યના જુદા જુદા ભાગોમાં અનેક કુલ ૧૧૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થઇ ચુક્યો છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે રાજકોટ સહિત મોટભાગના વિસ્તારોમાં ડેમ છલકાઈ રહ્યા છે.

              નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૬ મીટર સુધી પહોંચી ગઈ છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થયો છે. પાટણ, મહેસાણા, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ થયો છે. બીજી બાજુ જુનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. મોનસુન હવે બિકાનેર,જયપુર, ઝાંસી મારફતે દરિયાઈ સપાટી ઉપરથી પસાર થઇ રહ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે પણ યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં પણ વરસાદ થઇ શકે છે. કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક રહી હતી. સુરતમાં મહત્તમ તાપમાન ૨૮.૫ અને લઘુત્તમ તાપમાન ૨૬.૧ નોંધાયું હતું જ્યારે ભારે વરસાદ વાળા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૨૫ની આસપાસ રહ્યું છે જેમાં અમરેલી, પોરબંદર, મહુવાનો સમાવેશ થાય છે.

         ભારે વરસાદના લીધે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. રાજ્યમાં હજુ સુધી ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદ જારી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ ૩૩.૮૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો કુલ ૧૦૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ચોથી વખત ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૧૩માં ૧૪૭.૨૪ ટકા ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં પ્રથમવાર ૧૦૦ ટકા વરસાદ થયો છે. ભારે વરસાદ વચ્ચે જુદા જુદા ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. અનેક ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજકોટમાં ભાદર ૨ ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાહનો પણ પાણીમાં ડુબી ગયા હતા. અનેક વાહનો અટવાઈ પડ્યા હતા. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ૧૧૬ ટકા વરસાદ થયોછે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૮ : ગુજરાતમાં વરસાદી માહોલ જોરદારરીતે સક્રિય રહેતા ભારે વરસાદ જારી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અમરેલીના ખાંભામાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

ખાંભા................................................. ૮

કેશોદ................................................. ૩

જામકંડોરણા........................................ ૩

મહુવા................................................. ૩

વંથલી................................................ ૨

ગુજરાતમાં વરસાદ.....

અમદાવાદ, તા. ૮ : ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જુદા જુદા ઝોનમાં ક્યાં કેટલો વરસાદ થયો છે તે નીચે મુજબ છે.

ઝોન............................................ વરસાદ (ટકામાં)

દક્ષિણ ગુજરાત................................. ૧૧૬

સૌરાષ્ટ્ર............................................ ૧૦૫

પૂર્વ-મધ્ય ગુજરાત............................. ૧૦૦

ઉત્તર ગુજરાત......................................૮૮

(9:47 pm IST)