Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ગુજરાતમાં કોરોના વાયરસથી ૨૩ ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા

તમામ ડૉક્ટરો પ્રાઈવેટ પ્રેક્ટિશ નર્સ હતા : તામિલનાડુ ૪૩ ડૉક્ટર્સના મોત સાથે પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રીતે ૨૩ સાથે બીજા સ્થાને

અમદાવાદ, તા.૯ : કોરોનાના દર્દીઓની સારવાર કરતા 'કોરોના વોરિયર્સ' પણ મોતને ભેટી રહ્યા છે. કોરોનાને કારણે સીનિયર જનરલ ફિઝિશિયન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ૬૬ વર્ષીય ડૉ. સંદિપ દવેનું મૃત્યુ લોકલ મેડિકલ ફ્રેટરનિટીને આંચકો પહોંચાડનારું છે. મૃત્યુના થોડા દિવસ પહેલા આઈસીયુમાંથી ડૉ. દવેનો એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ બધાને ખાતરી આપતા જોવા મળે છે કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમને ઓક્સિજનની જરૂર નથી અને તેઓ જલદીથી સ્વસ્થ થઈ જશે.

              જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ, ભારતમાં કોવિડ -૧૯ને કારણે ૧૯૬ ડોકટરો જીવ ગુમાવ્યા છે. તામિલનાડુ ૪૩ ડૉક્ટર્સના મોત સાથે પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રીતે ૨૩ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ બિહાર (૧૯ મૃત્યુ), પશ્ચિમ બંગાળ (૧૬) અને કર્ણાટક ૧૫ કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે. ડૉ. જરદોશે જણાવ્યું કે, 'મૃત્યુનું પ્રાથમિક વિશ્લેષણ દર્શાવે છે કે તેમાંથી લગભગ ૫૦ ટકા જનરલ પ્રેક્ટિશનર્સ હતા અને તેમાંથી લગભગ ૭૦% ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા. તેઓએ ઉમેર્યું કે, અમે સરકારી ડોકટરોની સાથે ખાનગી ડોકટરોની સારવાર માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે તેઓ કોવિડ વોરિયર્સ સમાન છે અને રૂ. ૫૦ લાખનું એક્સ ગ્રેટિયા કોમ્પેનશેસન પ્રોવાઈડ કરે છે.

(9:51 pm IST)