Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

શિક્ષકે લુપ્ત પક્ષીઓના જીવ બચાવવાનું બીડું ઝડપ્યું :એક દાયકામાં હજારો વૃક્ષો વાવ્યા

શિક્ષક ઉત્પલ પટવારીનાં ફાર્મ હાઉસમાં 2000 જેટલાં પક્ષીઓ વસવાટ કરે છે

રાજપીપળા: વિકાસના નામે હાલમાં વૃક્ષો કપાઈ રહ્યાં છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ જંગલોમાં વૃક્ષોની જગ્યાએ ફક્ત મેદાન દેખાઈ રહ્યું છે. આ જ કારણે જંગલોમાં રહેતા અબોલા દુર્લભ જાતિના પક્ષીઓ નામશેષ થવાને આરે આવી ગયા હતા. નર્મદા જિલ્લો 90% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આ વિસ્તારમાં પણ અબોલા દુર્લભ પક્ષીઓની ખરાબ હાલત જોઈ પ્રાથમિક શાળાના શિક્ષક ઉત્પલ પટવારીને લુપ્ત પક્ષીઓના જીવ બચાવવાનું બીડું ઝડપ્યું છે. તેઓ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવરૂપણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સાથે-સાથે ખેતી અને વૃક્ષોનું વાવેતર પણ કરે છે.

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ભાણન્દ્રા ગામ ખાતે શિક્ષક ઉત્પલ પટવારીએ એમનાં ફાર્મ હાઉસમાં અબોલા દુર્લભ પક્ષીઓના જીવ બચાવવા વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું છે. જેમાં સાગ, નીલગિરી, સુબાવળ, આંબા જેવા અનેક વિવિધતા સભર હજારોની સંખ્યામાં એમણે વૃક્ષોનું વાવેતર કર્યું છે. વૃક્ષો જેમ-જેમ મોટા થવા લાગ્યા તેમ-તેમ ત્યાં વિવિધ પક્ષીઓ વસવાટ પણ કરવા લાગ્યા.

હાલની સ્થિતિએ દુર્લભ જાતિના વિવિધ પક્ષીઓ જેવાં કે તેતર, બટેર, લાવરી, હરિયલ, ખેરખટ્ટો, ઘંટી-ટાંકણો, ચિલોત્રા, હમિંગબર્ડ, હોલો, લક્કડખોદ, પોપટ, મોર, કિંગફિશર, ચાસ, દેવ ચકલી, કાળો કોશી, બુલબુલ, સુગરી, જળકુકડી, બતક, પતરંગો જેવાં 2000 જેટલાં પક્ષી વસવાટ કરે છે.

આજથી 2 વર્ષ અગાઉ એમના ફાર્મ હાઉસમાં રાષ્ટ્રીય પક્ષી મોરના 2 જોડા આવી ચઢ્યા હતાં. હવે મોર ખેતરનાં પાકને ઘણું નુકશાન કરતા હોય છે. પણ રાષ્ટ્રીય પક્ષીનાં જીવ ખાતર એમણે શરૂઆતમાં પોતાના પાકનું નુકશાન પણ વેઠયું. ધીમે-ધીમે ત્યાં મોરની વસ્તીમાં વધારો થવા લાગ્યો તો શિક્ષક ઉત્પલ પટવારીએ એમના ખાવા માટે સ્પેશિયલ ચણા અને તુવેરનું પણ વાવેતર કર્યું. હાલમાં મોરના 2 જોડામાંથી 30 જેટલાં મોર એમના ફાર્મ હાઉસની આસપાસ વસવાટ કરી રહ્યાં છે.

શિક્ષક ઉત્પલ પટવારીએ જણાવ્યું હતું કે, “વધુ વૃક્ષોના વાવેતરથી પર્યાવરણનો પણ બચાવ થયો છે અને લુપ્ત થઈ રહેલા દુર્લભ જાતિના વિવિધ પક્ષીઓના જીવ પણ બચ્યા છે. જો આવું દરેક લોકો વિચારે તો પ્રદૂષણથી થતું પર્યાવરણનું નુકશાન અટકે અને સાથે સાથે અબોલા પક્ષીઓને નવું જીવન મળે. હાલમાં તો તમામ પક્ષીઓ માટે મુખ્ય પાણીની વ્યવસ્થા કરાઈ છે, તો એમણે ખાવા-ચણવા માટે અલગથી મેં પાક કર્યો છે.”

 

(6:23 pm IST)