Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

મહેસાણા જીલ્લાના તરભ ગામમાં વડીલોનો વારસો સંભાળતા યુવાનોઃ વૃક્ષ વાવવાની કામગીરી આજે પણ યથાવતઃ ૧પ૦૦ મકાનમાં ૬૩૦૦ લોકોની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા ૯૭૦૦

મહેસાણા, તા., ૮: મહેસાણા જિલ્લામાં આવેલું એક ગોકુળીયુ ગામ તરભ છે. આ ગામની વૃક્ષ જતતની જવાબદારી ગામ વડીલોએ ગામના યુવાનોને વારસામાં આપી જાણી છે. મહેસાણાના વિસનગર તાલુકાના આ ગામમાં આ વૃક્ષ ઉછેરની અનોખી પરંપરાના કારણે પ્રત્યેક ર વ્યકિત સામે આજે ૩ વૃક્ષોને ઘરના આંગણે ઉછેરે છે. ગામમાં ૧પ૦૦ મકાનમાં ૬૩૦૦ ની વસ્તી છે પણ તેની સામે વૃક્ષોની સંખ્યા ૯૭૦૦ કરતા પણ વધુ છે. જેના કારણે ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું તરભ ગામ હંમેશા લીલુછમ જ રહે છે. સાથે જ ગામનું વાતાવરણ ઠંડુ રહે છે. અહી ગરમી અનુભવાતી નથી. કારણ કે આ ગામમાં કયારેય એક પણ વૃક્ષનું નિકંદન કરવામાં આવતું નથી અને જો વૃક્ષ કાપવાની ફરજ પડે તો કપાયેલા એક વૃક્ષ સામે નવા ૪ વૃક્ષો ઉછેરવામાં આવે છે. ગ્રામજનોને આ વૃક્ષ પ્રેમ તેમના વડીલો દ્વારા વારસામાં મળ્યો છે.

ગામમાં આજે પણ ચોમાસુ આવે તે પહેલા વૃક્ષારોપણનું અભિયાન ચલાવાયું નથી. નવાઇની વાત તો એ છે કે ગામમાં કયારેય બિનજરૂરી વૃક્ષ છેદન થતું નથી. જે કોઇ વૃક્ષ નડતરરૂપ હોય કે જોખમી હોય તો તેને જ કાપવામાં આવે છે. તેની  સામે કપાયેલા એક વૃક્ષ સામે નવા ૪ વૃક્ષો ઉછેરાય છે. ગામમાં એક ર૦૦ મીટરનો પ્રવેશ રોડ પર એક વૃક્ષ નહોતું. તેમાં પણ આ વર્ષે વૃક્ષારોપણ કરાયું છે. ગામના વડીલો દ્વારા વારસામાં મળેલા આ વૃક્ષ પ્રેમના કારણે આસપાસના અન્ય ગામો કરતા વધુ વરસાદ કુદરત આપે છે. એટલું જ નહી ઉનાળામાં ગામનું તાપમાન પણ ૩ ડીગ્રી નીચુ રહે છે.

ગામના રહેવાસી દિક્ષિત ચૌધરી કહે છે કે આખુ ગામ ચોમાસા દરમિયાન લીલુછમ રહે છે. ગામમાં ઠંડક સાથે ઓકિસજન પણ વધુ મળતા આજે ગામમાં સુખ અને સમૃધ્ધિ રહે છે. પીવાના પાણીની ખાલી બોટલોથી રોડ પર પ્રદુષણ થાય છે તેથી આ બોટલનો ઉપયોગ વૃક્ષ ઉછેર માટે કરવામાં આવે છે.

આ ગામની ભૌગોલીક સ્થિતી એવી છે કે જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે. જેને લઇ નવા રોપાને ભેજ ન મળતા તેને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને એક ટેકનીક આપી છે. જે મુજબ વિદ્યાર્થીઓ સમગ્ર ગામમાંથી પીવાના પાણીની ખાલી બોટલો એકત્રીત કરે છે અને બોટલના સૌથી નીચેના ભાગે નાનુ કાણુ પાડી તેમાં પાણી ભરી રોપાના થડ સાથે મુકી દેતા હોય છે જેને લઇને પાણીની બચત સાથે આખો દિવસ જમીનમાં ભેજ જળવાઇ રહે છે અને વૃક્ષ ઝડપી ગ્રોથ કરે છે.

ગામના અગ્રણી સોમજી ઠાકર કહે છે કે એક તરફ આજે પર્યાવરણના કારણે ઘણા દેશો ચિંતીત બન્યા છે. તેવામાં અમારા ખોબા જેટલા ગામ પર્યાવરણની જાળવણી માટે નવતર પ્રયાસ કરાયો છે. જેમાં જમીનને દુષીત કરતી પ્લાસ્ટીકની બોટલનો પણ સદુપયોગ કરવામાં આવે છે. આમ આ ગામ ખરી રીતે આદર્શ અને ગોકળીયું ગામ બન્યું છે.

(6:47 pm IST)