Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમેરિકામાં વધારે પગારની લાલચ આપી ગણદેવીના 12યુવાન સાથે ઠગોએ છેતરપિંડી આચરી

નવસારી:ઉંચા પગારની નોકરીની લાલચ આપી ગણદેવી તાલુકાના પાંચ ગામનાં ૧૨ જેટલા નોકરીવાંચ્છુઓ પાસે મરોલીનાં એજન્ટે રૃ. ૫૫ હજારથી વધુ પડાવી લીધા હતા અને વિદેશ નહીં મોકલતા નોકરી વાંચ્છુઓએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે એજન્ટની ધરપકડ કરી હતી. ગણદેવી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જલાલપોર તાલુકાના મરોલી બજાર ખાતે રાજા રોડ બેંક ઓફ બરોડાની પાછળ રહેતા અને એજન્ટનો ધંધો કરતા દર્શન મુકેશભાઈ પટેલે થોડા મહિના અગાઉ ગણદેવી તાલુકામાં વિદેશમાં નોકરી વાંચ્છુઓને ઉંચા પગારથી અમેરિકામાં ડેવલોપમેન્ટ સીટી ઈન ટોપકે યુએસ નામની કંપનીમાં નોકરી અપાવવાની જાહેરાત કરી હતી. જેમાં ગણદેવી તાલુકાના વલોટી, નાંદરખા વિગેરે પાંચ ગામના ૧૨ જેટલા વિદેશ નોકરી વાંચ્છુઓએ રસ દાખવી એજન્ટ દર્શન પટેલનો સંપર્ક કરી પાસપોર્ટ સ્કેન ફી અને પ્રોસેસ ફી મળી રૃ. ૪૬૦૦ જેટલી ફી જમા કરાવી હતી. જેમાં એજન્ટ દર્શન પટેલ નોકરી વાંચ્છુઓ પાસેથી રૃા. ૫૫ હજારથી વધુ પડાવી લઈ પોતે સાઉથ આફ્રિકા પલાયન થઈ ગયો હતો. આથી ૧૨ જેટલા નોકરી વાંચ્છુઓને કોઈ સંતોષકારક જવાબો ન મળતા વલોટી ગામના નોકરી વાંચ્છુ યુવાન અમ્રત નારણભાઈ પટેલે બીલીમોરા પોલીસમાં એજન્ટ દર્શન પટેલ વિરૃધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

(5:50 pm IST)