Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ચોકલેટના અનોખા હિંડોળામાં ઝૂલ્યા સ્વામીનારાયણ ભગવાન

અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં હરિભકતોને બાળકમંડળે બનાવેલા અનોખા હિંડોળાનાં દર્શન માટે હરિભકતો ઊમટયાં : ૨૫૦૦ સીંગલ જુદા-જુદા પ્રકારની અંદાજે આટલી ચોકલેટમાંથી હિંડોળો તૈયાર કરવામાં આવ્યો

શાહી ઝૂલણઃ અમદાવાદમાં શાહીબાગમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંસ્થાના સ્વામીનારાયણ મંદિરમાં ચોકલેટના હિંડોળોમાં ઝૂલતા સ્વામીનારાયણ ભગવાન અને એ હિંડોળોમાં ઝૂલતા સ્વામીનારાયણ ભગવાન અને એ હિંડોળો બનાવનાર બાળમંડળના સભ્યો અને હરિભકતો.(૨૨.૬)

અમદાવાદ, તા.૯: અમદાવાદમાં બેપ્સના શાહીબાગસ્થિત સ્વામીનારાયણ મંદિરમાં સો, બસો કે પાંચસો નહીં પરંતુ અંદાજે અઢી હજાર જેટલી જુદી-જુદી ચોકલેટોમાંથી આકર્ષક હિંડોળો બનાવીને એમાં સ્વામીનારાયણ ભગવાનને બિરાજમાન કરાવીને હરિભકતોએ ભાવથી ઝુલાવ્યા હતા.

અષાઢ વદ બીજથી જુદાં-જુદાં મંદિરોમાં ભગવાનને વહાલથી હિંડોળે ઝુલાવવા માટે ભાવિકો અવનવા હિંડોળા બનાવે છે ત્યારે બેપ્સના અમદાવાદ સ્થિત શાહીબાગ મંદિરમાં હરિભકતો અને બાળમંડળે અવનવી ચોકલેટોથી આકર્ષક રીતે સજાવીને અનોખો હિંડોળો બનાવ્યો હતો. ગઇ કાલે સવારથી હિંડોળાનાં દર્શન માટે હરિભકતો ઊમટયા હતા. છેલ્લા ૧૦ દિવસથી ચોકલેટનો હિંડોળો બનાવવા માટે બાળમંડળ અને હરિભકતો કામે લાગ્યાં હતાં. મંગળવારે મોડી રાત સુધી હિંડોળાની સજાવટ કરીને ગઇ કાલે હરિભકતોનાં દર્શન માટે આ હિંડોળો ખુલ્લો મૂકયો હતો. અક્ષરવત્સલસ્વામીએ કહ્યું હતું કે 'હિંડોળા બનાવવાની પરંપરા વર્ષોથી રહી છે. મંદિરમાં અષાઢ વદ બીજથી હિંડોળા બનાવવાના શરૂ થયા છે અને રક્ષાબંધન સુધી અવનવા પ્રકારના હિંડોળા બનાવવામાં આવતા હોય છે. છેલ્લે રાખડીઓનો હિંડોળો બાળમંડળ અને હરિભકતોએ ભેગા મળીને ચોકલેટનો હિંડોળો બનાવ્યો છે. આ હિંડોળામાં શ્રી સ્વામીનારાયણ ભગવાનને બિરાજમાન કરાવ્યા છે.'

(3:56 pm IST)