Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

શ્રાવણમાં ફરાળી થાળી કે તળેલાંનો ત્યાગ સ્વાસ્થ્ય માટે હિતાવહ : સ્વામી અધ્યાત્માનંદજી

શ્રાવણમાં તળેલું, ગળ્યું કે બટાટાનું પ્રમાણ નિયમિત ભોજન કરતાં પણ વધુ શરીરમાં જાય છેઃ શિવભકતોએ અપવાસ નહીં ખરા ખર્થમાં 'ઉપવાસ' કરવો જોઇએ, શ્રાવણ મહિનો 'શ્રવણ' માટે જ છે : સ્વામીજી

અમદાવાદ તા. ૯ : તા.૧૨ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોટા ભાગનાં ઉપવાસ કે ફળાહાર કરતાં હોય છે. આ અંગે શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજીએ જણાવ્યું કે શિવભકતો શ્રાવણ માસની ઉપાસના કરે તે ઉત્તમ છે, પરંતુ અપવાસ નહીં, ખરા ખર્થમાં 'ઉપવાસ' કરવો જોઈએ. આ દિવસોમાં ફરાળી થાળી કે તળેલી વસ્તુઓનો ત્યાગ કરવો સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.

સ્વામી અધ્યાત્માનંદજીએ જણાવ્યું કે સામાન્ય રીતે લોકો એવું કહેતાં હોય છે કે શ્રાવણમાં અમારે અપવાસ છે, પરંતુ ખરો અર્થ ઉપવાસ છે. ઉપ એટલે સમીપે એટલે વસવું. ઉપવાસનો અર્થ થાય છે, પરમાત્માનું સાતત્ય. વધુ જપ, વધુ ધ્યાન, વધુ આધ્યાત્મિક વાંચન, મનન, કીર્તન, કથા-વાર્તા, દાન. આ રીતે પ્રભુ-પરાયણ જીવ એટલે ઉપવાસ. શ્રાવણ મહિનો શ્નશ્રવણ' માટે જ છે. કેટલાંક લોકો ફરાળ કરતાં હોય છે, નહીં કે ફળાહાર. એટલે કે દરરોજ જેમ પૂર્ણ ભાણું એટલે કે રોટલી, દાળ, ભાત, શાક જમે એ જ રીતે સાબુદાણાની ખીચડી, મોરૈયાની ખીર, બટાટાનું શાક, શિંગોડા-રાજગરાના લોટની ભાખરી અને પાછા રાત્રે સૂતા પહેલાં જયૂસ અથવા દૂધનો ગ્લાસ. આવા કહેવાતાં ભોજનનો કોઈ જ અર્થ રહેતો નથી.

નિયમિત ભોજન કરતાં પણ વધુ તળેલું, ગળ્યું કે બટાટાનું પ્રમાણ શરીરમાં જાય છે. જે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે હાનિકારક છે. આ ઉપરાંત કાતરી વગેરે તો લટકામાં જ હોય છે. સાથે જ એક પ્રયોગ પણ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો કે તેણે વેફરને ચીપીયાથી પડકીને નીચેના છેડે તેને સળગાવવામાં આવી અને જમીન ઉપર એક કોરો કાગળ રાખવામાં આવ્યો ત્યારે જણાયું કે એક વેફરમાંથી ૧૯થી ૨૦ ટીપાં તેલ ટપકયું હતું. માટે શ્રાવણ માસમાં ખરા અર્થમાં ભોજન સંયમિત કરવું જોઈએ. જોકે, ડાયાબિટીસ કે બી.પી.ની તકલીફવાળાએ પોતાના ચિકિત્સકનું માર્ગદર્શન લઈને જ આ પ્રકારનાં ઉપવાસ કરવા જોઈએ.(૨૧.૮)

શ્રાવણ મહિનામાં વિશિષ્ટ

નિયમો લેવા જોઈએ

.   શ્રાવણમાં એક જ વખત ભોજન લેવું

.   તળેલી અને બહારની વસ્તુઓનો ત્યાગ કરવો

.   બટાટા-સુરણ-અળવીનો પણ ત્યાગ કરવો જોઈએ

.   ખાંડ અને મીઠાનો એક મહિના દરમિયાન ત્યાગ થઈ શકે છે

.   નિયમિત દેવદર્શન, યોગ અને વ્યાયામ દ્વારા અને મિતાહાર દ્વારા શરીરને સ્વસ્થ બનાવીશું

(11:43 am IST)