Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અપર એર સરકયુલેશનને પગલે ગુજરાતમાં ફરી વરસાદની આશા : ૮ર તાલુકાઓમાં ઝરમરથી અઢી ઇંચ વરસાદ

વાપી, તા. ૯ : અષાઢ માસના પ્રારંભે મેઘરાજા અનહદ વરસાદ બાદ વિરામ પર ઉતરી જતા જગતના તાત સહિત પ્રજાજનો પણ ચિંતામાં મૂકયા છે. પીવાના પાણીની સમસ્યા, ખેતીના પાણીની મુશ્કેલી, ગત વર્ષના પ્રમાણમાં મોટાભાગના જળાશયોમાં જળસપાટી નીચી છે. વહીવટી તંત્ર પણ ગડમથલમાં મૂકાયું છે.

આ સ્થિતિમાં હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો છે. રાજસ્થાનના દક્ષિણ-પૂર્વ ભાગમાં સર્જાયેલ એર સરકયુલેશનને પગલેે રાજયમાં ફરી વરસાદની આશા બધાઇ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયના રપ જીલ્લાના ૮ર તાલુકાઓમાં ઝરમરથી રાા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલું જ નહી આગામી પાંચેક દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરાઇ છે.

ગઇકાલ સાંજથી જ રાજયના કેટલાક વિસ્તારોમાં પવનના સુસવાટા અને કાળા ડિબાંગ વાદળોની ઉતરી પડેલ ફોજ વચ્ચે મેઘરાજા રૂક્ષ્યમાન થયા છે. ફલ્ડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામાં કડી ૩૪ મીમી, કવાટ-૩૩ મીમી, વિરમગામ અને જાંબુધોડા ૩ર-૩ર મીમી, છોટા ઉદેપુર અને હાલોલ ર૭-ર૭ મીમી, બોડેલી ર૬ મીમી. ગાંધીનગરના કલોલ ખાતે ર૩મીમી તો ઉમરપાડા ર૩ મીમી, આણંદ ર૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

અમદાવાદ સીટીમાં મેઘરાજા ભારે ડોળ વચ્ચે ૧૩ મીમી તથા કપરાડામાં પણ ૧૩ મીમી, સોનગઢ-વધઇ અને ખેરગામ ૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયેલ છે. જયારે રાજયના અન્ય ૬૦ જેટલા તાલુકાઓમાં ૧થી ૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.   સુરતના ઉકાઇ ડેમની જળસપાટી ૩૦૦.૩૩ ફુટે છેલ્લા પાંચેક દિવસથી સ્થિર રહેવા પામી છે. જયારે કોઝવેની જળસપાટી પણ છેલ્લા ૪૮ કલાકથી પ.પ૩ મીટરે સ્થિત રહેતી જણાય છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ ચાલુ છે. (૮.૯)

(11:42 am IST)