Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળાના મોતના કારણ અંગે તપાસનો ધમધમાટઃ શરીર ઉપર ૩૦ જેટલા ઇજાના નિશાનઃ ૧૦૦ પોલીસ કર્મચારીઓ આસપાસના વિસ્‍તારોમાં ઘરે-ઘરે જઇને ઓળખ મેળવવા પ્રયાસ કરે છે

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં ચારથી પાંચ વર્ષની બાળકીના મળી આવેલા મૃતદેહ મામલે બાળકીની ઓળખ માટે સુરત પોલીસના 100થી વધારે કર્મીઓ કામે લાગ્યા છે. આ માટે પોલીસે સોશિયલ મીડિયાનો પણ સાહોર લીધો છે. પોલીસે સોશિયલ મીડિયામાં બાળકીની તસવીરની સાથે સાથે કોઈને તેના પરિવારન અંગે કંઈ માહિતી મળે તો પાંડેસરા પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રૂમના નંબર પર જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત પોલીસના 100 જેટલા કર્મીઓ બાળકીના ફોટોગ્રાફ્સ સાથે પાંડેસરા વિસ્તારની આસપાસ દરેક ઘરે જઈને પૂછપરછ કરી રહ્યા છે.

 

બાળકીની ઓળખ માટે ક્રાઇમ બ્રાંચની છ-છ અને એસઓજીની ત્રણ-ત્રણ ટીમો બનાવવામાં આવી છે. મંગળવારે મળેલા બાળકીના મૃતદેહ બાદ હજુ સુધી પોલીસ બાળકીના પરિવારને શોધી શકી નથી. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીને બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. બાળકીના શરીર પર ઈજાના 30 જેટલા નિશાન પણ મળી આવ્યા છે.

બાળકીની ઉંમર આશરે ચારથી પાંચ વર્ષ
સુરતના પાંડેસર વિસ્તારમાં મળી આવેલી બાળકીની ઉંમર આશરે ચાર વર્ષની હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. આ કેસમાં પોલીસે નજીકની એક વખારના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક રીક્ષા અહીં રોકાઇ હોવાનું દેખાઈ રહ્યું છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઉકેલ્યો હતો આવો જ કેસ
નોંધનીય છે કે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં થોડા મહિનાઓ પહેલા આવો જ એક કેસ સામે આવ્યો હતો. એ સમયે 11 વર્ષની એક બાળકીનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાંથી જ મળી આવ્યો હતો. પોલીસે તેના પરિવારને શોધવા માટે ખૂબ મહેનત કરી હતી. આખરે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદ લેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સીસીટીવી ફૂટેજમાં દેખાયેલી એક કારના નંબર પરથી આરોપી સુધી પહોંચી હતી. આરોપીની ધરપકડ બાદ ખુલાસો થયો હતો કે બાળકીની માતાની પણ હત્યા કરી નાખવામાં આવી છે. આ બાળકીને બળાત્કાર બાદ હત્યા કરીને અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.

(6:44 pm IST)