Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા

અમદાવાદ :કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું છે. અમદાવાદની હોટલ હયાત ખાતે ટીવી -9 દ્વારા આયોજિત કોન્ક્લેવમાં ઉદબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે જાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાએ સરાહનીય પ્રયાસો કર્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું  કે, કોરોનાએ આરોગ્ય વિભાગ અને સરકારને જ નહીં પણ સમગ્ર વિશ્વને ઘણું બધુ શીખવ્યું. તેમણે ઉમેર્યું કે,લોકડાઉન, માસ્ક,પીપીઈ કીટ અને  સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નવા શબ્દોથી આપણે પરિચિત થયા.  આ અવસરે નાયબ મુખ્યમત્રીએ કોરોના અંગેનો તેમનો જાતઅનુભવ પણ વર્ણવ્યો હતો.  
નાયબ મુખ્યમંત્રીએ કોરોના કાળમા સરકાર માટેના ઉભા થયેલા પડકારોની પૂર્વ ભૂમિકા આપતા કહ્યું કે, જ્યારે વિકસિત અને સમૃદ્ધ દેશોએ પણ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકડાઉનની જાહેરાતના કારણે આપણે કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શક્યા. 
આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત સરકારના પ્રયાસોની વિગતો આપતા  કહ્યું કે, ગુજરાત સરકારે કોરોના કાળમાં નિર્ણાયક ભૂમિકા ભજવી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગે કોર કમિટીમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ  આરોગ્યક્ષેત્રે કેવા પડકારો ઉભા થયા તેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં 50 થી 73 મેટ્રીક ટન ઓક્સિજનનો વપરાશ હોય છે તેના બદલે એક સમયે દૈનિક ધોરણે 1,250 મેટ્રીક ટન ઓક્સિજનનો વપરાશ પહોંચ્યો હતો, તેમછતા ગુજરાત અને ભારત સરકારે યુદ્ધના ધોરણે જરુરિયાતમંદો સુધી ઓક્સિજનનો પુરવઠો પહોંચાડ્યો હતો.
 નીતિનભાઈ પટેલે ગુજરાત સરકારના આરોગ્યવિભાગે કોરોનાકાળમાં કરેલી કામગીરીની રુપરેખા આપતા જણાવ્યું હતું કે, કોવીડની સારવારમાં ખાનગી હોસ્પિટલનો સહયોગ લેવાનો શુભાંરંભ અમદાવાદે  કર્યો હતો અને કોવીડ દર્દીઓ માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતા. જેના કારણે દર્દીઓને ઘણી રાહત પહોંચી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ  આ બાબતનો સંદર્ભ આપતા કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે બેડ અનામત રાખવાના પગલે દર્દીઓને સંતોષકારક સારવાર મળી, તેની નોંધ નોંધ સુપ્રીમ કોર્ટે પણ લીધી હતી અને અન્ય રાજ્યોને ગુજરાત મોડલનું અનુકરણ કરવા માટે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ રસીકરણ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, દરેકને રસી મળે તે માટે સરકાર કટિબદ્ધ છે, અને એટલે જ અગાઉ રજિસ્ટ્રેશન કરીને રસી અપાતી હતી તે હવે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવે છે.
કોરોનાની ત્રીજી લહેર માટે સરકારની વ્યાપક તૈયારીઓએ અંગે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, પીએમ કેર ફંડ અને ગૃહમંત્રીશ્રીના સહયોગથી DRDOની મદદથી ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરાઈ છે, તેમ જ વિવિધ દાતાઓના સહયોગથી જિલ્લા કક્ષાએ પણ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.
 આ પ્રસંગે ઘાટલોડિયાના ધારાસભ્યશ્રી, પદાધિકારીઓ તેમ જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ ઉપરાંત અનેક વરિષ્ઠ પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા

(7:09 pm IST)