Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હિટ એન્ડ રન:ગાંધીનગર નજીક બાઈક પર જઈ રહેલ સરગાસણના પરિવારને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત

ગાંધીનગર શહેર નજીક રીલાયન્સ ચાર રસ્તાથી સરગાસણ જવાના માર્ગ ઉપર ગઈકાલે સાંજના સમયે બાઈક ઉપર પસાર થઈ રહેલા સરગાસણના પરિવારને અજાણ્યો કાર ચાલક અડફેટે લઈ ફરાર થઈગયો હતો. જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૃ કરી હતી. 

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનના બનાવોએ માથુ ઉંચકયું છે ત્યારે સરગાસણની દેવશરણમ્ સોસાયટી મકાન નં.બી-પ૦૧માં રહેતા બળવંતસિંહ ખુમાનસિંહ મહિડા તેમની પત્નિ વિલાસબેન અને પૌત્ર અંશુમાનસિંહ તેમનું બાઈક નં.જીજે-૧૮-સીએફ-૯૯પ૩ ઉપર રીલાયન્સ ચાર રસ્તાથી સરગાસણ તરફ જઈ રહયા હતા તે દરમ્યાન ગઈકાલે સાંજના સમયે ત્યાંથી પુરઝડપે પસાર થતી કારના ચાલકે બળવંતસિંહના બાઈકને અડફેટે લીધું હતું જેના કારણે આ ત્રણેય જણા રોડ ઉપર પટકાયા હતા અને ઈજાઓ પહોંચી હતી. ત્યારે કારનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે અન્ય વાહનચાલકો થંભી ગયા હતા અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ત્રણેય ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં બળવંતસિંહની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(5:02 pm IST)