Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ધોરણ-11માં પ્રવેશની સમસ્યા :ગોમતીપુર વિસ્તારમાં 600થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહે તેવી સ્થિતિ

પરા વિસ્તારની સ્કૂલોમાં અંદાજે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો ન હોવાનો આક્ષેપ

અમદાવાદ :શહેરના પુર્વ વિસ્તારમાં આવેલી શાળાઓના અનેક વિદ્યાર્થીઓ ધોરણ-11માં પ્રવેશથી વંચિત રહી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. ગોમતીપુર વિસ્તારમાં જ આશરે 600 જેટલા વિદ્યાર્થીઓ અને પરા વિસ્તારની સ્કૂલોમાં અંદાજે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો ન હોવાનો આક્ષેપ ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે કર્યો છે. આ મુદ્દે કોર્પોરેટરે રાજ્યના મુખ્યમંત્રી સહિત શિક્ષણમંત્રીને પત્ર લખી વિદ્યાર્થીઓ પ્રવેશની વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કારણે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી ધોરણ-11 માટે પ્રવેશની માર્ગદર્શિકા જાહેર કરી છે. જોકે, માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ-11માં વિદ્યાર્થીઓ સામે વર્ગોની સંખ્યા ઓછી હોવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પુર્વ વિસ્તારમાં આવેલી શાળાઓમાં ધોરણ-11માં પ્રવેશનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલી સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ડેમોક્રેટીક હાઈસ્કૂલ, માતૃછાયા હાઈસ્કૂલ, શમ્સ હાઈસ્કૂલ, એસ.જી. પટેલ હાઈસ્કૂલ, ઉર્દુ હાઈસ્કૂલ સહિતની સ્કૂલોમાં પ્રવેશની સમસ્યા હોવાનું સ્થાનિક કોર્પોરેટર ઈકાબલ શેખે જણાવ્યું હતું.

આ સ્કૂલોમાં ધોરણ-10ના બેથી ત્રણ વર્ગોની સામે ધોરણ-11ના એક જ વર્ગ છે. 1 વર્ગમાં 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ સ્કૂલોના 16 વર્ગો થાય છે, જેની સંખ્યા 1040 જેટલી થવા જાય છે. જેની સામે ધોરણ-11માં એક જ વર્ગ હોવાથી આ સ્કૂલોમાં 75 પ્રમાણે 450 વિદ્યાર્થીઓને જ સમાવી શકાય તેમ છે. જેંથી 600 જેટલા વિદ્યાર્થીઓ ગોમતીપુર વિસ્તારમાં જ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વધુમાં પરા વિસ્તારની તમામ શાળાઓ જેવી કે સરસ્તવી, જે એન બાલીકા, કૈલાસ વિદ્યાલય, નિલકંઠ વિદ્યાલય, જીવન સાધના વિદ્યાલય, વિવેકાનંદ વિદ્યાલય, શેઠ સી.એલ. હિન્દી સ્કૂલ, પ્રગતિ હાઈસ્કૂલોમાં પણ આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી કોર્પોરેટર ઈકાબલ શેખે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી તાત્કાલિક નવી નિતી અમલમાં લાવી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટેની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

(11:21 pm IST)