Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુરત ડીઆરઆઈ ટીમે હજીરા પોર્ટ ઉપરથી આતંકવાદીઓ વાપરે છે તે ટ્રેમાડોલ ટેબ્લેટનો ૧૫ લાખનો જથ્થો જપ્ત કર્યો

સુરત, તા. ૯ :. હજીરા પોર્ટ પરથી ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા પ્રતિબંધિત ટ્રેમાડોલ (ફાયટર ડ્રગ્સ)નો ૧૫ લાખ જેટલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દવાનો જથ્થો આફ્રિકાના દેશોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ દવાના ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલા ત્રણની ધરપકડ પણ કરી છે. આ દવાનો ઉપયોગ આતંકીઓ કરતા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આ પેઈન કિલર દવા ઓરલેન્ડો હેલ્થ કેર સહિતની બે કંપનીના નામે એકસપોર્ટ કરાતી હતી.

ડીઆરઆઈ તરફથી મળતી માહિતી અનુસાર હજીરાના પોર્ટ પર પ્રતિબંધિત દવાનો જથ્થો હોવાની માહિતી મળી હતી. જેને આધારે એક કન્ટેનર ચેક કરતા તેમા નાર્કોટેકસની યાદીમાં આવતી ટ્રેમાડોલનાં ૧પ લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ દવાની બજાર કિંમત સવા કરોડથી વધુની થાય છે. ડીઆરઆઇ એ ત્રણ આરોપી હર્ષલ દેસાઇ, મેહુલ દેસાઇ અને કેમિસ્ટ તામલેની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી દેસાઇ બંધુ અડાજણમાં રહે છે. તમામ આરોપીઓનાં સીવીલમાં કોરોના સેમ્પલ માટે મોકલી અપાયા હતાં. કોવિડ-૧૯ નાં ટેસ્ટનાં પરિણામ આવ્યા બાદ તમામને કોર્ટમાં લઇ જવાશે.

ડીઆરઆઇના સુત્રોએ જણાવ્યું કે, આરોપીઓ સોનગઢ ખાતે આવેલી ફેકટરીમાં દવા બનાવતા હતાં. બાદમાં દવા સોનગઢથી હજીરા પોર્ટ પર લવાતી હતી, જયાંથી શિપ મારફતે વિદેશમાં એકસપોર્ટ કરાતી હતી. સોનગઢની ફેકટરી પણ ડીઆરઆઇ દ્વારા સીલ કરવામાં આવી. મહત્વનું છે કે ટ્રેમાડોલનો દુરપયોગ મોટા પ્રમાણમાં થતો હતો જેથી ર૦૧૮ માં સરકારે આ દવાને નાર્કોટિક ડ્રગ એન્ડ ફિઝીયોટ્રોપિક સબસ્ટેન્સ (એનડીપીએસ) નાં કાયદા હેઠળ આવરી લીધી હતી.

(4:14 pm IST)