Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વ્યાજખોરના ત્રાસથી કંકુબેને દવા પીધીઃ પોલીસ કમિશ્નરની કચેરીએ પડી ગયા

દેરાણી- જેઠાણીએ ૧૦ટકા વ્યાજે લીધેલી ૫૦ હજારની રકમનું લોકડાઉનમાં ચૂકવી ન શકતા મારમારી ઘરમાંથી કાઢી મુકવાની સુરેશ મારવાડીએ ધમકી આપી હતી

અમદાવાદ, ૯: વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ખાઈ ગયેલી મહિલા પોલીસ કમિશનર ઓફિસના ગેટ પાસે જઈને ફસડાઈ પડી હતી.સ્થાનિકોએ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાબરમતીમાં મોટેરા રોડ પર રહેતા કંકુબહેન શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રીના લગ્ન કરવા કંકુબહેનએ ૧૦ ટકા વ્યાજે સુરેશ મારવાડી પાસેથી રૂ.૫૦ હજારની રકમ લીધી હતી, જ્યારે કંકુબહેનના જેઠાણીએ રૂ.૨૫ હજાર લીધા હતાં. સુરેશ મારવાડીને આ પૈસાનું વ્યાજ દેરાણી-જેઠાણી સમયસર ચૂકવતા હતા.

જોકે, લોકડાઉનમાં કોઈ આવક ના રહેતાં સુરેશને તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા.  સુરેશ મારવાડીએ બંનેને મારમારી ઘરમાંથી કાઢી મુકવાથી ધમકી આપી હતી.

કંકુબહેનએ સુરેશની ધમકીથી ત્રાસી જઈ સાબરમતી ટોલનાકા પાસે ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી. જે બાદમાં તેઓ રિક્ષામાં બેસી પોલીસ કમિશનર ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે કમિશનર ઓફિસના ગેટ પાસે ચક્કર આવતા તેઓ બેસી ગયા અને ફસડાઈ પડ્યા હતા. આથી ત્યાં હાજર લોકોએ કંકુબહેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.પોલીસે સુરેશ મારવાડી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

(3:52 pm IST)