Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાનું ૧૧ લાખ ૧૧ હજારનું યોગદાન

મુખ્યમંત્રી રૂપાણીને મળીને ચેક-સાધનો અર્પણ કર્યા: રપ વેન્ટીલેટર્સ-પાંચ હજાર PPE કિટસ- દોઢ લાખ ગ્લોવસ-સાડા ત્રણ લાખ ત્રિપલ લેયર માસ્ક પણ રાજ્ય સરકારને કોરોના સંક્રમિતોની સારવાર-કોરોના સંક્રમણ નિયંત્રણ માટે આપ્યા*

અમદાવાદ : કોરોના વાયરસ સામે લડવાના ફંડ તરીકે મુખ્યમંત્રી રાહતનિધિમાં ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧નો ચેક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આજે ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કોરોના સામેની લડાઇમાં ઉપયોગમાં લેવા ઉદાર હાથે ફાળો-યોગદાન મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવા કરેલી અપિલનો પ્રતિસાદ આપતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ૧ર૦૦ જેટલા કર્મયોગીઓના સ્વૈચ્છિક ફાળાની એકત્ર થયેલી આ રૂ. ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ની ધન રાશિનો ચેક બેન્કના ગુજરાતના ચીફ જનરલ મેનેજર  દુખબંધુ રથ અને જનરલ મેનેજર અરવિંદ અગ્રવાલે મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.
  એટલું જ નહિ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની તબીબી સારવાર સહાય અને કોરોના સંક્રમણ નિયંત્રણ માટે પણ સાધનસામગ્રી રાજ્ય સરકારને અર્પણ કરી છે.
  તદઅનુસાર, રાજ્ય સરકારને રૂ. ૪૭ લાખ રૂપિયાના ૨૫ વેન્ટિલેટર્સ, રૂ. ૧૯.૨૫ લાખની પાંચ હજાર જેટલી પીપીઇ કિટ્સ, રૂ. ૧૭.૧૦ લાખના એક લાખ પંચાસ હજાર ગ્લોવસ અને રૂ. ૧૬.૬૨ લાખ રૂપિયાના ત્રણ લાખ પચાસ હજાર ત્રિપલ-લેયર માસ્ક જેવા મેડિકલ ઇક્વિમેન્ટ પણ સ્ટેટ બેન્ક દ્વારા આપવામાં આવ્યા છે.
આમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૧.૧૧ લાખ એકસો અગિયારની રકમનાં ચેક સહિત કુલ ૧.૧૧ કરોડથી વધુની મેડિકલ ઇક્વિમેન્ટ સહાય રાજ્ય સરકારને સહાયરૂપે આપ્યા છે

(8:13 pm IST)