Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ભાજપના પૂર્વ રાજયમંત્રી રતિભાઇ સુરેજાનુ અવસાન

ઇન્ફેકશનના કારણે રાજકોટ સારવારમાં હતાઃ સાંજે જુનાગઢમાં અંતિમવિધી

રતિભાઇ સુરેજાના પાર્થિવદેહને શ્રદ્ધાંજલી અર્પણ : જુનાગઢ : પૂર્વ રાજયમંત્રી રતિભાઇ સુરેજાનું અવસાન થતાં આજે જુનાગઢમાં તેમના પાર્થિવદેહને લોકો શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(૮.૧૬)

જુનાગઢ-માણાવદર તા.૯: જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના લીંબુડા ગામના વતની અને ભાજપના પૂર્વ રાજયમંત્રી-ધારાસભ્ય રતિભાઇ સુરેજાનુ અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે. રતિભાઇ સુરેજાની અંતિમવિધી આજે ગુરૂવારે સાંજે પ વાગ્યે તેમના જુનાગઢના ગાંધીગ્રામ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળશે. જેમા ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો, કાર્યકરો, શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે અને શ્રધ્ધાંજલી અર્પણ કરશે.

માજી ધારાસભ્ય રતીભાઇ સુરેજાને ઇન્ફેકશન થતા પ્રથમ સારવાર જૂનાગઢ બાદ રાજકોટની  એચસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જયાં ડો. ભટ્ટ દ્વારા સઘન સારવાર કરવામાં આવી હતી. રતીભાઇ સુરેજાની મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થઇ ગયુ હતું.

માજી પ્રધાન રતિભાઇ સુરેજા છેલ્લા ૧૫ દિવસથી નાદુરસ્ત હતા અને રાજકોટ સારવાર દરમ્યાન આજે સવારે ૭ વાગ્યે તેઓએ ૭૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

આથી સવારે રાજકોટથી જુનાગઢ ગાંધીગ્રામ ખાતેના નિવાસ સ્થાને રતિભાઇ સુરેજાનો પાર્થિવદેહ લાવવામાં આવ્યા હતો. સુરેજાના નિધનના સમાચાર મળતા ભાજપના આગેવાનો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમાજ શ્રેષ્ઠી, સગા-સંબંધીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ વગેરે તેમના નિવાસ સ્થાને દોડી ગયા હતા.

રતિભાઇ સુરેજા  ધર્મપત્ની મુકતાબેન અને પુત્ર ડો.ભાવેશ તેમજ જમાઇ ડો.સી.વી. માણાવદરીયા તથા દિકરી ક્રિષ્નાબેન મામાવદરીયા સહિત પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

પૂર્વ મંત્રી રતિભાઇ સુરેજાના પી.એ.રહી ચુકેલા કમલેશભાઇ પાઠકે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, સ્વ.રતિભાઇ સુરેજાનો જન્મ માણાવદર તાલુકાના લીંબુડા ગામે થયેલ તેઓ ૧૯૬૬માં વેપાર અર્થે જૂનાગઢમાં સ્થાયી થયેલ અને અહિં તેઓએ જયશ્રી રોડ ખાતે ભારત ટ્રેડર્સ નામથી વેપારી પેઢી શરૂ કરેલ.

 કમલેશ પાઠકે વધુમાં જણાવેલ કે, વેપારની સાથે સ્વ.રતિભાઇ સુરેજાએ ૧૯૯૦માં રાજકારણમાં પ્રવેશ્યા અને તેઓ ગુજરાત એસ.ટી.નિગમના ડિરેકટર થયેલ.

વર્ષ ૧૯૯૫માં પ્રથમ વખત રતિભાઇ સુરેજાએ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને માણાવદર બેઠક પરથી તેઓ ચુંટાયા હતા.

આ પછી માદરે વતન માણાવદરની બેઠક પરથી ૪ ટમ૪ ધારાસભ્ય તરીકે રહેલા તેઓને ૨૦૦૫-૨૦૦૭ દરમ્યાન રાજય સરકારે સિંચાઇ મંત્રી બનાવ્યા અને તેઓએપીવાનું પાણી અને સિંચાઇના પાણીની સમસ્યાનો અંત લાવ્યો હતા.

સરળ,સાલસ સ્વભાવ ધરાવતા રતિભાઇ સુરેજાનું બહોળુ મિત્ર વર્તુળ હતું. ભારતીય જનતા  પાર્ટીમાં અંતિમ શ્વાસ સુધી  રહેતા સ્વ.રતિભાઇ સુરેજાના નિધનથી પાર્ટીએ આઘાત અનુભવ્યો છે.

માણાવદર તાલુકાના લીંબુડા ગામના મુળવતની રતિભાઇ ગોરધનભાઇ સુરેજા મુળ વ્યવસાય ખેતી હતો.

ધો. ૯ સુધી ભણેલા ત્યારબાદ જૂનાગઢ ખાતે ધંધાર્થે ગયેલા જયાં જંતુનાશક દવાઓની એજન્સીઓથી શરૂઆત કરી વ્યવસાયની  હતી. ૧૯૯પ માં માણાવદર વિધાનસભાની ચૂંટણી લડયા હતાં તે જીત્યાં બાદ ૧૯૯૮ ત્થા ર૦૦ર ની ચૂંટણી જીત્યાં ર૦૦ર માં કેશુભાઇ પટેલની સરકારમાં સિંચાઇ મંત્રી પદે સારી સેવાઓ આપી આ મંત્રીપદે રહ્યા ત્યારે માણાવદર તાલુકના બે શહેર બાંટવા  - માણાવદર ત્થા પપ ગામડામાં પીવાના પાણીની ગંભીર સ્થિતિ હતી. તે માટે તેઓએ ૪૪ કરોડના ખર્ચે ઓઝત-પા.પૂ. યોજનામાં પાઇપ લાઇન સમગ્ર તાલુકાને આવરી લઇ નખાવી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા સફળ રહ્યા ત્થા ભાદર ડેમમાંથી કેનાલો આ તાલુકામાં લાવવાની શરૂઆત કરી હતી.

જેમાં ઘણા ગામડાઓના ખેડૂતો આ કેનાલના પાણીથી ખેતીમાં પાકમાં ઉપયોગી થયા છે. ત્યારબાદ ૨૦૦૭માં ચૂંટણીમાં પરાજય  હતા પછી ચૂંટણી લડયા નથી તેઓ અનેક શૈક્ષણીક સંસ્થાઓ, સાથે સંકળાયેલા છે.

માણાવદર તાલુકામાં સારી લોકચાહના ધરાવતા હતા શાલીન સ્વભાવ, અજાતશત્રુ એવા કયારેય કોઇને ખરાબ બોલ્યા રતિભાઇ સુરેજાના પુત્ર ડોકટર છે જે જુનાગઢ જ છે.(૧.૩)

વિજયભાઈએ સાંત્વના પાઠવી

રાજકોટઃ માણાવદર તાલુકાના લીંબુડા ગામના મૂળ વતની અને રાજ્યના પૂર્વ મંત્રી તથા ભાજપના વરિષ્ઠ અગ્રણી રતિભાઈ સુરેજાનું અવસાન થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ મંત્રી સ્વ. રતિભાઈ સુરેજાના પુત્ર ભાવેશભાઈ સુરેજા સાથે ટેલીફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.(૨-૧૬)

 રતિભાઇ સુરેજાની શનિવારે પ્રાર્થના સભા

જુનાગઢ તા ૯ :  ગુજરાત સરકારના પૂર્વમંત્રી શ્રીરતિભાઇ સુરેજાનું આજે અવસાન થયેલ છે.તેમની પ્રાર્થના સભા તા. ૧૧ મે ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ બી.એ.પી.એસ. અક્ષર મંદિરે, પ્રમુખ સ્વામી હોલ, જુનાગઢ ખાતે રાખેલ છે. રતિભાઇ સુરેજા મિલનસાર સ્વભાવના કારણે કડવા પટેલ તથા અન્ય સમાજમાં પણ આગવુ સ્થાન ધરાવતા હતા. (૩.૧૧)

(2:47 pm IST)