Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

અમદાવાદમાં ભાજપના મહિલા કોર્પોરેટર આરતીબેન સહિત ૩ કોર્પોરેટરોને કોરોના

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના હાહાકાર વચ્ચે શાહપુર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર આરતીબેન સહિત આજે વધુ 3 કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગી ગયો. આરતીબેન પંચાલ સાથે  તેમનો દીકરા પણ કોરોના પોઝિટિવ થઇ ગયા. આ સાથે અત્યાર સુધી શહેર ભાજપ અને કોંગ્રેસના 40થી વધુ કોર્પોરેટરો કોરોનાની ઝપટમાં આલી ગયા છે. તેમાંથી બેના મોત પણ થઇ ગયા.

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ-સુરતમાં દિન પ્રતિદિન કોરોનાના દૈનિક કેસ નવા રેકર્ડ સર્જી રહ્યાં છે ત્યારે હવે ફરી અમદાવાદના કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગઈકાલે શાહપુર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર આરતીબેન પંચાલ અને તેમનો દીકરાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આરતીબેનને SVPમાં દાખલ કરાયા

સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્ની ખેમચંદાની અને સુરેશ ધનાનીનો પણ આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાહપુર વોર્ડના મહિલા કોર્પોરેટરને SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે અન્ય કોર્પોરેટરને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે અને સારવાર શરૂ કરાઇ છે.

બદરુદ્દીન શેખ, ગયાપ્રસાદ કોરોનાનો ભોગ બન્યા

અમદાવાદ શહેરમાં કોરોનાની પ્રથમ લહેરમાં 40થી વધુ કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જ્યારે બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાની સારવાર દરમિયાનમાં મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજીયાનું પણ કોરોના સંક્રમણથી મૃત્યુ નીપજ્યું હતું. આ સિવાય અન્ય કોર્પોરેટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા પણ તેઓ કોરોનાને મ્હાત આપી હતી.

અમદાવાદ શહેરમાં ગત 18 માર્ચ 2020માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો પછી ત્રણ મહિનાનું લોકડાઉન જાહેર કરાયુ હતું જેમાં ગરીબો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા સહિતની સેવાકીય કામગીરીમાં કેટલાય કોર્પોરેટરને ચેપ લાગ્યો હતો પણ આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીના કારણે કોરોના વકર્યો છે કેમ કે, નેતાઓએ ચૂંટણી પ્રચારમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ કર્યો હતો.

(5:52 pm IST)