Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

નડિયાદ જિલ્લાના વિવિધ ગામોમાં લોકડાઉનમાં ખડેપગે રહેનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જીભાજોડી કરી લોકડાઉનનો ભંગ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:સહિત જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં પોલીસતંત્ર ખડેપગે તૈનાત રહી ફરજ બજાવી રહ્યું છે અને લોકડાઉનનો ભંગ કરનાર શખ્સો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે.
           જે અંતર્ગત નડિયાદ શહેરમાં વિર્ગો કોમ્પ્લેક્ષ સામે માઈમંદિર તરફ જવાના માર્ગ પર ગતરોજ સવારના સમયે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંકિતાબેન જયેશભાઈ સહિત પોલીસની ટીમ તૈનાત હતી. દરમિયાન સરદાર પ્રતિમા તરફથી બાઈક નં. જીજે-૦૭, સીક્યુ-૬૮૭૨ લઈ આવતાં એક ઈસમને પોલીસે રોક્યો હતો. જો કે પોલીસને સહયોગ આપવાને બદલે બાઈક ચાલક ઈસમે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે જીભાજોડી કરી ગમેતેમ બોલવા લાગ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન (રહે. રાધાનગર સોસાયટી, નડિયાદ) હોવાનું જણાવ્યું હતુ અને તે સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતો હોવાનું જણાવી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય પોલીસ ટીમ સામે બેફામ બોલી ફરજમાં રૃકાવટ ઉભી કરી હતી. બનાવ અંગે ફરજ પર હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંકિતાબેન જયેશભાઈની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:38 pm IST)