Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

૧૫૦૦ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાનો અંતે કઠોર ફેંસલો થયો

વાહનચાલકોને આરટીઓ તંત્ર દ્વારા ચેતવણી : પાંચ-પાંચ વખત ઇ મેમો મળ્યા છતા તેને ન ગણકારનારા વાહનચાલકોની સામે આરટીઓની કાર્યવાહી શરૂ કરાઈ

અમદાવાદ,તા.૯ : જાહેર રસ્તા ઉપર રોંગ સાઈડ વાહન ચલાવતા, ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરનારા કે વોટ્સઅપ મેસેજ કરનારા કે પછી પુરપાટ સ્પીડે વાહન ભગાવનારા વાહનચાલકોની સંખ્યા વધી રહી છે. પાંચ પાંચ વખત ઈ મેમો મળ્યા છતાં તેને નહીં ગણકારનારાઓ ઉપર અમદાવાદ આરટીઓએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં આરટીઓએ અંદાજિત આવા ૧૫૦૦થી વધુ લાઈસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આરટીઓ સત્તાધીશોએ આ આકરી કાર્યવાહી મારફતે શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની ચેતવણી આપી દીધી છે. આરટીઓના આકરા વલણને લઇ હવે શહેરીજનોએ ટ્રાફિક નિયમોના પાલન અને તેની અમલવારી માટે જાગૃતતા કેળવવી જોઇએ. આરટીઓએ જે કસૂરવાર વાહનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમાં વાહન અકસ્માત કરનારાઓનો સમાવેશ પણ થાય છે. વાહનચાલક મોબાઈલ પર વાત કરતો, ગાડી ચલાવતો હોય, પીધેલો હોય કે પછી ઝડપી વાહન હંકારતો હોય તેઓ પર કડક વલણ અપનાવીને આરટીઓ અને ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. ટ્રાફિક પોલીસ મોટા ભાગે આરટીઓને આવા વાહનચાલકોનાં લાઈસન્સ સસ્પેન્ડ કરવા માટે ભલામણ કરતી હોય છે. સામાન્ય રીતે આરટીઓ વાહનચાલકનું સીધું લાઈસન્સ સસ્પેન્ડ કરતી નથી. અકસ્માત સિવાયના કેસમાં આરટીઓ પહેલાં વાહનચાલકને સાંભળે છે. વાહનચાલકના ખુલાસાની ચકાસણી કરે છે, અને હીયરિંગ બાદ જ જો આરટીઓને લાગે કે લાઈસન્સ સસ્પેન્ડ કરવા જેવું છે તો જ કરે છે. લાઈસન્સ સસ્પેન્ડ થયા પછી પણ વાહનચાલકનો વિરોધ હોય તો તેને કોર્ટમાં જવું પડે. ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને ટ્રાફિકના નિયમો તોડનારાઓની સંખ્યા પણ વધી રહી છે. જેની સામે સરકારે પણ હવે લાલ આંખ કરી છે હવે વાહનચાલકે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કર્યું હશે કે રોંગ સાઈડ વાહન ચલાવતો હશે કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતો હશે તો પણ આરટીઓ તેમનાં લાઈસન્સ સસ્પેન્ડ કરી શકે છે તેવું આરટીઓનાં સૂત્રોએ જણાવ્યું હતું.

(8:25 pm IST)