Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમદાવાદ સહિત રાજ્યમાં આગઝરતી ગરમી યથાવત

હવામાન દ્વારા ચેતવણી સાથે સલાહ પણ આપી : અમદાવાદ સહિત રાજ્યમાં પારો હજુ પણ વધે તેવા સંકેત હિટવેવની વચ્ચે લાઇટ કલરના કોટન વસ્ત્રો પહેરવા સૂચન

અમદાવાદ, તા.૮ : રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ શહેરમાં લોકો ગરમીના કારણે હવે પરેશાન થયેલા છે. કારણ કે બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યુ હતુ.  હિટવેવ માટેની ચેતવણી જારી કરવામં આવતા લોકો સાવચેત થઇ ગયા છે. હવામાન વિભાગ દ્વારા હિટવેવની ચેતવણીની સાથે સાથે હિટવેવની અસર અને સામાન્ય લોકોએ ગરમીથી બચવા શું કરવું જોઇએ તે અંગેના સૂચનો પણ કર્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હિટવેવના કારણે ઉત્તરગુજરાત, બનાસકાંઠામાં સૌથી વધુ અસર રહેશે.ઉંચા તાપમાનમાં સામાન્યરીતે કોઇ નુકસાન થઇ શકે તેમ નથી પરંતુ નવજાત શિશુ, મોટી વયના લોકોને ક્રોનિક રોગ થવાની શક્યતા રહેલી છે. તીવ્ર ગરમીને ટાળવાના પ્રયાસ થવા જોઇએ. હળવા વસ્ત્રો પહેરવા જોઇએ જેમાં લાઇટ કલરના કોટનના વસ્ત્રો ઉપયોગી રહે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર   અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે. ગરમીથી આવતીકાલે પણ કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. આજે સોમવારના દિવસે લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં શહેરના મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા. અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે માત્ર છ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટી, કમળા અને ટાઇફોઇડના અનેક કેસો સપાટી ઉપર આવ્યા છે જેથી તંત્રમાં સનસનાટી મચી ગઈ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ શહેરમાં ગરમીથી બચવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કમરકસી લીધી છે. બીજી બાજુ રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. એપ્રિલ ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૦૧૨૯૨ લોહીના નમૂનાની સામે છઠ્ઠી એપ્રિલ ૨૦૧૯ સુધીમાં ૨૩૭૦૬ લોહીના નમૂનામાં તપાસ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.

મહત્તમ તાપમાન.......

અમદાવાદ, તા. ૮ : અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું રહ્યું તે નીચે મુજબ છે.

શહેર........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૪૧.૫

ડિસા............................................................ ૪૦.૮

ગાંધીનગર................................................... ૪૧.૨

વડોદરા.......................................................... ૪૦

સુરત........................................................... ૩૫.૮

વલસાડ....................................................... ૩૪.૪

અમરેલી...................................................... ૪૧.૩

ભાવનગર.................................................... ૩૭.૩

પોરબંદર..................................................... ૩૨.૮

રાજકોટ....................................................... ૪૧.૩

સુરેન્દ્રનગર.................................................. ૪૧.૩

ભુજ................................................................ ૩૮

કંડલા એરપોર્ટ............................................. ૪૦.૭

કંડલા પોર્ટ................................................... ૩૬.૮

(8:30 pm IST)