Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ

સુરતમાં યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે : ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ તરફથી ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

સુરત,તા.૯ : સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેર અનેક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ તરફથી પ્રતિબંધિત ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું છે. આ બંનેનું સેવન કરીને યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યું છે. પોલીસે આવી પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા એક વેપારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે, ત્યારે તેમને બચાવવા માટે સુરત પોલીસ નાશનો કારોબાર કરતા ઈસમોને ઝડપી રહી છે. આ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું હતું કે યુવાનોને નાશના રવાડે ચડવા માટે શહેરમાં કેટલાક વેપારીઓ તરફથી પ્રતિબંધિત ઈ-સિગારેટ અને હુક્કા વેચવામાં આવી રહ્યા છે.

આવા વેપારીને પકડી પાડવા માટે પોલીસે ખાસ ટીમ કામે લગાડી હતી. પોલીસને માહિતી મળી હતી કે, શહેર કેટલાક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ તરફથી ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ એવી વસ્તુ છે જેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે અઠવા વિસ્તારમાં આવેલા  ભાગા તળાવ પાણીની ભીંત પાસે બેંક ઑફ બરોડાની સામે મકાનનાં પહેલા માળે આવેલી "જય અંબે ટોબેકો નામની દુકાનમાં દરોડો પાડી દુકાનદાર ખુશાલ ગોપાલદાસ ધમાણીને ઝડપી લીધો હતો.

પોલીસે દુકાનમાંથી પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલી ઇ-સિગારેટ, ચાર્જર, કેબલ તથા ફ્લેવરની ૧૦ એમએલની બોટલ સાથેની ઇ-સિગારેટના બોક્સ કુલ નંગ -૧૦૮, કિંમત રૂપિયા ૫૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસનું કહેવું છે કે આવવનારા સમયમાં સુરત શહેરમાં આવેલા તમામ પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વેપારીઓ ઉપર વૉચ ગોઠવી તેમના તરફથી ઈ-સિગારેટ કે ઇ- હુક્કા કે આવી કોઈ અન્ય પ્રોડક્ટનું વેચાણ થતું હશે તો તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

(9:30 pm IST)