Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સતત બે દિવસ ફૂટેજ તપાસી ચાર આરોપીને ઝડપી પાડ્યા

વેજલપુરમાં લૂંટની ઘટના મામલે : ત્રણેક દિવસ પહેલા ૭૯ હજારની લૂંટ થતા પોલીસે એક દંપતી સહિત ૪ લોકોની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ,તા.૯ : વેજલપુર વિસ્તારમાં આવેલા શાસ્ત્રી બ્રિજ પાસે ત્રણેક દિવસ પહેલા ૭૯ હજારની લૂંટ થતા પોલીસે એક દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર સીટીએમથી સરખેજ જવા નીકળ્યા હતા. આરોપી રિક્ષા ચાલકે ૫૦ રૂપિયા ભાડું નક્કી કરી શાસ્ત્રી બ્રિજ પાસે ટોઇલેટ જવાના બહાને રિક્ષા ઉભી રાખી છરી બતાવી ૭૯ હજારની લૂંટ ચલાવી હતી. બાદમાં વસીમ નામના શખ્સે આ મુદ્દામાલ તેની બહેન અને બનેવીની આપી દીધો હતો. બાતમીના આધારે પોલીસે એ અને બી ટીમ બનાવી સતત બે દિવસ સીસીટીવી તપાસી આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની વિગત એવી છે કે ગત પાંચમી માર્ચના રોજ વહેલી સવારે ભોગ બનનાર વાપીથી પોતાના વતન સાણંદ જવા પ્રાઇવેટ ગાડીમાં બેસી એક્સપ્રેસ હાઇવે પર ઉતર્યા હતા. ત્યાંથી સરખેજ જવા માટે રિક્ષામાં બેઠા હતા. ત્યારે શાસ્ત્રી બ્રિજ પાસે મેટ્રો સ્ટેશન પાસે રિક્ષા ચાલકે ટોઇલેટ જવાનું બહાનું કરી રિક્ષા ઉભી રખાવી હતી.

રિક્ષામાં બેઠેલા અન્ય એક શખ્સે ચાલક સાથે મળી આ વ્યક્તિને છરી બતાવી માર મારી સોનાની ચેઇન, રોકડા, ટ્રોલી બેગ લૂંટી લીધી હતી. વેજલપુર પોલીસે આ પ્રકારના બનાવો વધુ બનતા તેને રોકવા બે ટીમ બનાવી હતી. જેમાં એ ટીમના સભ્યોએ પાલડી એ.એમ.સીના કંટ્રોલ રૂમ અને પોલીસ કન્ટ્રોલ રૂમના સીસીટીવી સતત બે દિવસ મોનિટરિંગ કર્યા હતા. સતત બે દિવસ સુધી રિક્ષાઓના નંબરની તપાસ હાથ ધરી હતી. જ્યારે બી ટીમ સીટીએમથી શાસ્ત્રી બ્રિજ સુધીના સીસીટીવી તપાસવામાં લાગી હતી. જેમાં એ ટીમને રિક્ષાના નંબર મેળવવામાં સફળતા મળી હતી. એક રિક્ષા જેનો નંબર ય્ત્ન-૦૧-ડ્ઢઠ-૩૩૧૯ હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ ટીમને બાતમી મળી કે આ રિક્ષા શાસ્ત્રી બ્રિજ પાસેથી પસાર થવાની છે. પોલીસે વૉચ ગોઠવી આ રિક્ષા આવતા જ ચાલકને રોકી પૂછપરછ કરી હતી. રિક્ષા ચાલક રમજાન ઉર્ફે ભુરીયો જોગાણી અને વસીમ ઉર્ફે ફટેલીને ઝડપી પાડ્યા હતા. લૂંટનો માલ વસીમે તેની બહેન અને જીજાજીને આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે આ મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. પોલીસે વસીમની બહેન અને બનેવીની સંડોવણી સામે આવતા શબાના આસિફ પઠાણ અને આસિફ પઠાણની પણ ધરપકડ કરી હતી. પોલીસે સોનાની ચેઇન, રોકડા, કપડાં ભરેલી બેગનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:23 pm IST)