Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પત્‍ની અને દિકરા-દિકરીઓ ઉપર એસિડ એટેક કરનાર છગન વાળાએ સુરત જેલમાંથી પરિવારને ધમકી દીધી

જેલ ગુનેગારોને સુધારવા માટેની જગ્યા તો છે જ સાથે ગુનેગારોને પોતાના કરેલા ગુનાની સજા ભોગવવા માટેની જગ્યા છે, જોકે અનેક આરોપીઓ જેલના નિયમોંની ઐસીતૈસી કરતા જોવા મળ્યા છે. તેમાં પણ ખાસ કરીને જેલમાં કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સૌથી મોટી વાત એ છે કે, ફોનનો ઉપયોગ લોકોને ધમકી આપવા માટે કરવામાં આવે છે. ત્યારે સુરતમાં એસિડ એટેકમાં પોતાની માતાને ગુમાવી ચૂકેલા અને પોતે પણ ગંભીર દાઝેલા ત્રણ ભાઈ બહેનોને આરોપી પિતા જેલમાંથી ફોન કરી સતત ધમકાવી રહયા છે, પોતાની કરતૂત મુદ્દે સમાધાન કરવા પિતા દબાણ કરતા હોવાને પગલે બાળકોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટના આદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 8મી ઓગસ્ટ 2019ના રોજ છગન વાળાએ પોતાની પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ એટેક કર્યો હતો. જો કે પિતાએ પોતાના એક બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. વરાછા વિસ્તારની હરીધામ સોસાયટીમાં બનેલી આ ઘટના બાદ છગનભાઇ નાસી ગયા હતાં. સમગ્ર ઘટનમાં ગંભીર રીતે દાઝેલી પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું. દીકરી પ્રવીણાની એક આંખ ખરાબ થઈ ગઈ છે અને દીકરી અલ્પાને એસિડને કારણે ઈજા થઈ હતી.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા દીકરા ભાર્ગવના ચહેરા અને શરીર પર એસિડ પડતાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનેજ કાણે શરીર ખરાબ થઈ ગયું છે. ભાર્ગવે આવી સ્થિતિમાં પણ પોતાના પરિવારની કાળજી લીધી અને પોતાનો MBBSનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્ન શિપ કરી રહ્યો છે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યો છે.

ડોક્ટર ભાર્ગવ વાળાનું કહેવું છે કે પિતા છગનભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હતા. હીરાના કારખાનામાં હીરા સાફ કરવા માટે જે એસિડનો ઉપયોગ કરવામાં આવતો હોય એ એસિડની બે બોટલ 40 રૂપિયામાં ખરીદી રાત્રીના સમયે ઘરે લઈને આવ્યા હતા. ત્યારબાદમાં ઉંઘમાં જ પત્ની અને સંતાનો પર એસિડ એટેક કર્યો હતો. ઘરકંકાસ ચાલતો હોવાને કારણે કંટાળીને પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા માટે એસિડથી હુમલો કર્યો હતો, બાદમાં ફરાર થઇ ગયા હતાં

મહત્વનું છે કે પિતા છગન વાળાને દારૂ પીવાની ટેવ હતી અને તે કારણે ઘરમાં રૂપિયાને લઈ કંકાસ કરતા હતા. વારંવાર ઝગડો થતો ત્યારે પિતા ધમકી આપતા હતા કે તમારી હત્યા કરી નાંખીશ, પરંતુ પરિવારને લાગ્યું કે ગુસ્સામાં બોલે છે. આ વાત છગનભાઈએ સાબિત કરી બતાવી હતી. ઘરેથી ભાગેને જૂનાગઢ ગયા હતાં, ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યા હતાં. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતાં હતાં.

અહીં એ પણ મહત્વની વાત છે કે પોતે જે પાપ કર્યું હતું તેને હરિદ્વાર ખાતે ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યું હતું. બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. દરમિયાન ભાર્ગવે જણાવ્યું હતું કે, હાલ તેઓ લાજપોર જેલ બંધ છે, જોકે માંથી જેલમાંથી તેઓ મોબાઇલ ફોન ઉપરથી કોલ કરી રહ્યા છે. અગાઉ જેલના જ લેન્ડલાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરતાં હતાં, જોકે, હવે છગન વાળા મોબાઇલ ફોનનો ઉપયોગ કરી કોલ કરી રહ્યા છે. ભાર્ગવ, પ્રવિણા અને અલ્પાના વેવાઈ અને મોટા ભાઇને પણ ફોન કરી સમાધાન કરવા માટે કોલ કરી રહ્યા છે, ભાર્ગવે કેસની સુનાવણી દરમિયાન કોર્ટનું આ મુદ્દે ધ્યાન દોર્યું હતું. જે ત્રણ મોબાઇલ નંબર ઉપરથી ફોન આવતા હતા તે નંબર કોર્ટમાં આપતાં જેલ તંત્ર અને શહેર પોલીસ પણ ચોંકી ઉંધી છે.

ભાર્ગવનું કહેવું છે કે તેઓ અમારા પિતા છે, તેમને મળવા જવાની ઈચ્છા થાય છે પરંતુ તે દિવસે જે ઘટના બની હતી તે હજી પણ મારી આંખો સામે આવી જાય છે અને મારી માતાનો ચહેરો મને દેખાય છે, તેમને કારણે અમારો આખો પરિવારને વેર વેખેર થઇ શક્યો હતો, જેથી તેમને મળવું નથી, તેમને જે ધમકી આપી છે તેને લઈને હું ન્યાયની ઈચ્છા રાખી રહ્યો છું.

આ અંગે કોર્ટે દ્વારા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે સતત આ પ્રકારની ફરિયાદો મળતી હોય છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાનું કહેવું છે કે જે નંબરથી કોલ કરવામાં આવ્યો છે તે પૈકી એક નંબરની કોલ ડિટેઇલ કઢાવતાં ચોંકાવનારી વિગત સામે આવી છે, આ નંબર ઉપરથી જેલમાં બંધ એમડી ડ્રગ્સના ડિલર ઈસ્તિયાઝ ઉર્ફે મુન્ના ઈસ્માઇલ શેખ દ્વારા તેના પરિવારના સભ્યો સાથે નિયમિત વાત કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હત્યાનો આરોપી બબલુ મોરેશ્વર તાયડે પણ તેના સંબંધીઓ સાથે વાત કરતો હતો. અન્ય એક આરોપી ગુલામ સાબીર ઉર્ફે સમીર સલીમ કુરેશી પણ તેનો ઉપયોગ કરી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે છગન સહિતના ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

(5:33 pm IST)