Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બસમાં દારૂની હેરાફેરી અને પાર્કિંગ માટે વધી રહેલ ત્રાસ

બસમાંથી દારૂ-બિયરનો જથ્થો જપ્ત કરાયો : દિવ્યપથ હાઇસ્કૂલ રોડ ઉપર બસના ગેરકાયદે પાર્કિંગનો અડ્ડો : ઘાટલોડિયા પોલીસની નિષ્ક્રિયતાને લઇને સવાલો

અમદાવાદ,તા. ૯ : અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોમાં દારૂની હેરાફેરી અને જાહેરમાર્ગો પર લક્ઝરી બસોના ગેરકાયદે તેમ જ આડેધડ પાર્કિંગનો ત્રાસ વધતો જાય છે તેમ છતાં આરટીઓ કે પોલીસ સત્તાવાળાઓ દ્વારા કોઇ જ અસરકારક પગલા ભરાતા નથી, તેને લઇ હવે આરટીઓ સત્તાધીશો અને પોલીસની ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરના મેમનગર વિસ્તારમાં એઇસી ચાર રસ્તા પહેલાના બ્રીજ નીચેના રસ્તાથી લઇ દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર તો, લકઝરી બસો અને સ્કૂલ બસોના ગેરકાયદે પાર્કિંગનો જાણે અડ્ડો હોય તેમ આડેધડ અને ટ્રાફિકમાં અડચણરૂપ લક્ઝરી પાર્કિંગ કરેલી હોય છે તેમ છતાં આરટીઓ સત્તાધીશો કે ઘાટલોડિયા પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઇ જ પગલાં લેવાતા નથી. શહેરના આરટીઓ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસના પાર્કિંગમાં રાજસ્થાનની બસમાંથી પીસીબીએ રૂ. ૧.૩૦ લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઇ હતી. લકઝરી બસોમાં દારૂ-બિયરની હેરાફેરી ઉપરાંત, જુગારધામના અડ્ડા, દુષ્કર્મ સહિતની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાના અગાઉ ઘણા કિસ્સાઓ આવી ચૂકયા છે અને તેના કારણે ગંભીર પરિણામો પણ સર્જાયા છે તેમછતાં આરટીઓ સત્તાવાળાઓ અને સ્થાનિક પોલીસ ગંભીર નિષ્ક્રિયતા દાખવી રહી છે. દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર ગેરકાયદે લકઝરી બસો અને સ્કૂલ બસોના પાર્કિંગની માથાના દુઃખાવા સમાન બનેલી સમસ્યાની જેમ જ શહેરના ચાંદલોડિયા, ચાણકયપુરી, રાણીપ, વાડજ સહિતના વિસ્તારોમાં પણ કંઇક આવી જ સમસ્યા છે છતાં હજુ સુધી ટ્રાફિક પોલીસ લક્ઝરી બસો માટે સ્પેશ્યલ ડ્રાઇવ કેમ ચલાવતી નથી તેવા ગંભીર સવાલો જાગૃત નાગરિકોએ ઉઠાવ્યા છે. આજે વહેલી સવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, આરટીઓ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસના પાર્કિંગમાં રાજસ્થાનની બસમાં દારૂ લાવી અને લોડિંગ રિક્ષામાં અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરી ડ્રાઈવર, ક્લીનર સહિત કુલ સાત લોકોને ઝડપી પાડ્યા હતાં. દારૂ રિક્ષામાં ભરી અમદાવાદના શાહપુર, માધવપુરા સહિતના વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા. આમ, પોલીસ ગુનો આચરાઇ જાય ત્યાં સુધી રાહ કેમ જુએ છે, તેની જાતે સ્વેચ્છાએ કેમ કોઇ પગલાં લેતી નથી? શું આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અને ટ્રાફિકની અડચણ કે અંતરાય દૂર કરવાની જવાબદારી પોલીસ અને ટ્રાફિક પોલીસ તેમ જ આરટીઓ સત્તાધીશોના તાબામાં નથી આવતી? તેવા ગંભીર સવાલો હવે ઉઠી રહ્યા છે. જો આરટીઓ સત્તાધીશો કે પોલીસ પગલાં લેતી ના હોય તો રાજય સરકારે આવા કિસ્સામાં કસૂરવાર કે જવાબદાર આરટીઓ અધિકારી કે પોલીસ અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવી જોઇએ તેવી લાગણી પણ જાગૃત નાગરિકો વ્યકત કરી રહ્યા છે.

(8:18 pm IST)